લંડનઃ સાઉધમ્પટનમાં 18 વર્ષીય હેનરી નોવાક પર કિરપાણ વડે જીવલેણ હુમલો કરી મોત નિપજાવનાર 23 વર્ષીય વિક્રમ દિગ્વાને આજીવનકેદની સજા ફટકારવામાં આવી છે. દિગ્વાને પેરોલ માટે પાત્ર બનતા પહેલા ઓછામાં ઓછી 20 વર્ષની જેલ ભોગવવી પડશે.
દિગ્વાએ દાવો કર્યો હતો કે નોવાકે તેની સાથે રેસિસ્ટ ગેરવર્તણૂક કરી હતી અને તેની પાઘડી ઉતારી પાડી હતી. આ દાવાને કારણે પોલીસે વિદ્યાર્થી નોવાકના ગંભીર જખમો જોયા પહેલા જ તેની ધરપકડ કરી લીધી હતી અને હાથકડી પહેરાવી દીધી હતી. હેમ્પશાયર પોલીસે તેમની આ કાર્યવાહી બદલ માફી માંગી છે. હેનરીના પિતા માર્ક નોવાકે પોલીસ દ્વારા તેમના પુત્ર સાથે કરાયેલા વર્તનની સખત ટીકા કરી હતી.
દિગ્વાને સજાની સુનાવણી કરતા જજ મૌસ્લી કેસીએ જણાવ્યું હતું કે, તેં તારા પરિવાર, તારા સમુદાય અને તારા ધર્મને કલંકિત કર્યો છે. તારી આ હરકતે વંશીય તણાવ ભડકાવ્યો છે, જેના કારણે ઘણા શીખ પરિવારો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.
શીખ ફેડરેશન યુકે દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટ્રાયલ દરમિયાન શીખ સમુદાયે વંશીય ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે અને કિરપાણ અંગે પણ ગેરસમજ ઊભી થઈ છે. અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કાયદો માત્ર પૂર્ણપણે ધાર્મિક આચરણ કરતા શીખોને જ ધાર્મિક કારણોસર કિરપાણ ધારણ કરવાનો અધિકાર આપે છે.
નોવાકની હત્યા બાદ શીખ સમુદાયે ભારે નફરતનો સામનો કરવો પડ્યો
વિક્રમ દિગ્વાના કેસની સુનાવણી દરમિયાન બ્રિટનમાં વસતા શીખ સમુદાયને ભારે નફરતનો સામનો કરવો પડ્યો હોવાનો શીખ ફેડરેશન યુકેએ દાવો કર્યો છે. ફેડરેશને જણાવ્યું હતું કે, મૃત્યુ પામી રહેલા પીડિતની પોલીસે કરેલી ધરપકડે પણ બિનજરૂરી રીતે સમુદાય પ્રત્યે નફરત ભડકાવી હતી. એક વ્યક્તિ દ્વારા ક્ષણિક આવેશમાં લેવાયેલા પગલાને કારણે હેનરીની જિંદગીનો કરુણ અંત આવ્યો છે અને તેના માટે કોઇપ્રકારનો બચાવ કરી શકાય નહીં. તેમ છતાં કેસની સુનાવણી દરમિયાન શીખ સમુદાયને અસ્વીકાર્ય રીતે ભારે અપમાન અને નફરતનો સામનો કરવો પડ્યો છે કારણ કે ઘણા લોકો કિરપાણના મહત્વને અથવા કિરપાણ ધારણ કરવા સાથે જોડાયેલી જવાબદારીઓને સમજતા નથી.


