લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન તેમના સાંસદો તરફથી નવી માગણીનો સામનો કરી રહ્યા છે. તેઓ શામી ચક્રબર્તીની બેરોનેસ તરીકે વિવાદાસ્પદ નિમણુંક અંગે તેમની સાથે ક્યારે ચર્ચા યોજી હતી તેની ચોક્કસ વિગતો આપવા કોર્બીન પર દબાણ કરી રહ્યા છે. લેબર પાર્ટીના આ સાંસદોનો દાવો છે કે કોર્બીને યહૂદીઓના વિરોધ માટે ‘માર્ગ મોકળો’ કરી આપ્યો છે. લેબર પાર્ટીમાં યહૂદીઓ પ્રત્યે પૂર્વગ્રહની સમસ્યા છે તેવા હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેતવણીરૂપ રિપોર્ટ પર કોર્બીનની પ્રતિક્રિયા વિશે પણ આ સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી.
કોર્બીને દાવો કર્યો હતો કે રિપોર્ટના આલેખકોએ લેબર પાર્ટી પર અપ્રમાણસર ધ્યાન આપ્યું હતું. સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે કોર્બીન બળતામાં ઘી હોમી રહ્યા છે. યહૂદીવિરોધના મામલાની તપાસનું અધ્યક્ષપદ સંભાળવાની સમજૂતીના ભાગરૂપે ચક્રબર્તીને આ સન્માનની ઓફર કરાઈ હોવાના આક્ષેપો કરાયા છે.
આનર્સ પ્રોસેસ સાથે સંકળાયેલા વ્હાઈટહોલના સૂત્રોએ દાવો કર્યો હતો કે કોર્બીને તપાસના સંચાલન માટે ચક્રબર્તીની નિમણુક કર્યા પછી પરંતુ, તેનો રિપોર્ટ જાહેર થયા અગાઉ માનવ અધિકારના લોયર ચક્રબર્તીને પીઅરેજ માટે ભલામણ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે હોમ એફેર્સ કમિટીના બે સિનિયર સભ્યો ચુકા ઉમુન્ના અને ડેવિડ વિન્નીકે પણ કમિટીના રિપોર્ટ વિશે કોર્બીને આપેલા પ્રતિભાવના વિરોધમાં નિવેદન આપ્યું હતું.
ઈસ્ટ લંડનના ચીંગફર્ડમાં લેબરના કો-ચેરમેન નાઓમી વિમ્બોર્ન– ઈદ્રીસીના નિવેદનને લીધે પક્ષ વધુ એક યહૂદીવિરોધી વિવાદમાં સપડાયો છે. તેમણે કથિત રૂપે LBC રેડિયોને જણાવ્યું હતું કે ઈઝરાયલ પેલેસ્ટાઈનવાસીઓ વિરુદ્ધના ગુનાઓને વાજબી ઠેરવવા યહૂદીઓના સામુહિક હત્યાકાંડની હકીકતનો દુરુપયોગ કરે છે.


