લંડનઃ યુરોપની દુકાનોમાં ચરસના વેચાણને સંબંધિત એશટ્રે અને ચિલમ સહિતની ચીજવસ્તુઓ પર હિન્દુઓની ધાર્મિક આસ્થારુપ ગણેશજીનું ચિત્ર લગાવાતા હિન્દુઓ રોષે ભરાયા છે. તેમણે ભગવાન ગણેશ અને અન્ય હિન્દુ દેવીદેવતાઓની છબીઓ સાથેની વેપારસામગ્રી દૂર કરાવવા યુરોપિયન કમિશનને અનુરોધ કર્યો છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના નેવાડાસ્થિત રાજન ઝેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિશ્વના સૌથી પ્રાચીન અને ૧.૧ બિલિયન અનુયાયીઓ સાથે ત્રીજા ક્રમના સૌથી મોટા હિન્દુ ધર્મમાં મંદિર અને ઘરોમાં ભગવાન ગણેશ અને અન્ય દેવીદેવતાઓની પૂજાઅર્ચના થાય છે. વેપારી હેતુ અથવા એશટ્રે, ચિલમ, ઘંટ, હુક્કા, રોલિંગ પેપર્સ, મિક્સિંગ ટ્રે અને ચરસ-ગાંજા સંબંધિત સામગ્રીઓ પર તેમની છબીઓ મૂકવી અયોગ્ય અને આસ્થાની હાંસી ઉડાવવા સમાન છે. તેનાથી હિન્દુઓની ધાર્મિક ભાવનાને ધક્કો પહોંચે છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજા શાણપણ, બુદ્ધિના ભંડાર સાથે વિઘ્નોને હરનારા દેવરુપે થાય છે.
જર્મની, નેધરલેન્ડ્ઝ અને સ્પેનની ઘણી દુકાનોમાં ચરસ, તમાકુ અને સંબંધિત આઈટમ્સના ઉપયોગમાં લેવાતી એશટ્રે, હુક્કા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે, જેના પર ભગવાન ગણેશની છબી અંકિત કરાઈ છે. લાકડાની ચિલમ પર ગણેશજીની છબી કોતરાઈ છે અને તેના પર લખાયું છે કે ગણેશની આંખો સમક્ષ મેરિજુઆનાની મોજ માણો.