ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનો ઐતિહાસિક નિર્ણય, સજાતીય યુગલોને આવકારશે

57 ટકા વિરુદ્ધ 41 ટકા મતથી સજાતીય યુગલોને આશીર્વાદ આપવાનો નિર્ણય

Tuesday 14th February 2023 15:04 EST
 
 

લંડન

યુકેના ઇતિહાસમાં પહેલીવાર સજાતીય યુગલોને ચર્ચ દ્વારા આશીર્વાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચર્ચ ઓફ ઇઁગ્લેન્ડની જનરલ સીનડે આઠ કલાક લાંબી ચર્ચા બાદ સજાતીય યુગલોને ચર્ચના આશીર્વાદ આપવાની તરફેણમાં મતદાન કર્યું હતું. સજાતીયતાના મુદ્દે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની સીનડમાં ભારે મતભેદો પણ જોવા મળ્યા હતા અને તેના કારણે આર્ચબિશપ ઓફ કેન્ટરબરીની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. સીનડના બિશપ, પાદરી અને લે મેમ્બર્સ દ્વારા કરાયેલા મતદાનમાં સજાતીયતાને માન્યતાની તરફેણમાં 57 ટકા જ્યારે વિરુદ્ધમાં 41 ટકા મત પડ્યાં હતાં. સીનડના આ નિર્ણયને પગલે હવે ચર્ચ સિવિલ પાર્ટનરશિપ અને સિવિલ મેરેજ કરનારા સજાતીય યુગલો ચર્ચની પ્રાર્થના સભા, આભાર સ્તુતિ અને આશીર્વાદની પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.

ઓક્સફર્ડના બિશપ રાઇટ રેવ. સ્ટીવન ક્રોફ્ટે જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક અને નોંધપાત્ર પગલું છે. હવે સજાતીય યુગલો ખુલીને બહાર આવશે અને તેમના સંબંધો જાહેરમાં જીવી શકશે. મને લાગે છે કે આ નિર્ણયથી ચર્ચ જીવનમાં રહેલા વલણોમાં બદલાવ આવશે.

ચર્ચ દ્વારા સજાતીય યુગલોને માન્યતા આપવાની પ્રક્રિયાનો પ્રારંભ 2013માં કરાયો હતો. ચર્ચે જણાવ્યું હતું કે, અમને આ નિર્ણય પર પહોંચતા ઘણો લાંબો સમય લાગ્યો છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ હવે જાહેરમાં સજાતીય યુગલોને ચર્ચમાં આવકારી શકશે.

જોકે આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે, હું સજાતીય યુગલોને આવકારતો નથી. હું આ મુદ્દા પર વિભાજિત થયેલા એંગ્લિકનોની એકતાનું પ્રતિક છું.

સજાતીય લગ્નો મામલે મને સંસદીય પગલાંની ધમકી અપાઇ હતી - આર્ચબિશપ

આર્ચબિશપ ઓફ કેન્ટરબરીએ આરોપ મૂક્યો છે કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં સજાતીય લગ્નને માન્યતા આપવાના મુદ્દે મને સંસદીય પગલાંની ધમકી આપવામાં આવી હતી. મોસ્ટ રેવ. જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે, મને બે વાર સંસદમાં બોલાવવામાં આવ્યો હતો કારણ કે હું સજાતીય યુગલોને ચર્ચ દ્વારા આશીર્વાદની ચર્ચા માટે વધી રહેલી બિનસાંપ્રદાયિકતાને જવાબદાર ગણાવી રહ્યો હતો. સજાતીય લગ્નો અને યુગલોના મામલે ચર્ચને આદેશો આપવા જોઇએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter