લંડનઃ તાજેતરના અભ્યાસ અનુસાર ચર્ચ ઓફ ઈંગ્લેન્ડની ૩૦થી વધુ સ્કૂલ્સમાં ક્રિશ્ચિયન બાળકોની સરખામણીએ મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાનું બહાર આવ્યું છે. ઓલ્ધામના વેર્નેથમાં ચર્ચની પ્રાઈમરી સેન્ટ થોમસ સ્કૂલમાં ૧૦૦ ટકા વિદ્યાર્થી મુસ્લિમ છે. આના પરિણામે, બાળકો મૂંઝાતા હોઈ અગ્રણી શિક્ષણ નિષ્ણાતોએ ચર્ચની કેટલીક શાળાઓને સેક્યુલર સંસ્થા બનવા અનુરોધ કર્યો છે.
સ્થાનિક ધર્માધ્યક્ષ અનુસાર ઓલ્ધામના વેર્નેથની સેન્ટ થોમસ સ્કૂલમાં કોઈ ક્રિશ્ચિયન વિદ્યાર્થી ન હોવાનું કહેવાય છે. જોકે, એક ગવર્નરના કહેવા મુજબ આ આંકડો જૂનો છે. બોલ્ટનની બિશપ બ્રિજમેન ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ પ્રાઈમરીમાં ૯૦ ટકા વિદ્યાર્થી મુસ્લિમ વસ્તીના છે, જ્યારે વેસ્ટ યોર્કશાયરમાં સ્ટેઈન ક્લિફ સીઓઈ જૂનિયર સ્કૂલમાં ૯૮ ટકા વિદ્યાર્થી મુસ્લિમ પશ્ચાદભૂના હોવાનું કહેવાય છે. સેન્ટ થોમસ સ્કૂલની વેબસાઈટ અનુસાર શાળામાં બધા વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણનો કોર્સ ભણે છે તેમજ ક્રિશ્ચિયન અને મુસ્લિમ તહેવારો ઉજવાય છે.
યુનિવર્સિટી ઓફ બકિંગહામમાં શિક્ષણ નિષ્ણાત પ્રોફેસર એલન સ્મિધર્સે જણાવ્યું હતું કે આ દેશમાં પરંપરાગત રીતે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા શિક્ષણ અપાતું રહ્યું છે. પરંતુ, હવે મોટા ભાગની શાળામાં મુસ્લિમ મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી તેમના માટે અને થોડી સંખ્યામાં ક્રિશ્ચિયન વિદ્યાર્થી માટે પણ મૂંઝવણભર્યો અનુભવ રહેવાનું જોખમ છે.આથી આવી શાળાઓ સેક્યુલર સંસ્થાઓ બની જાય તે જ યોગ્ય ગણાશે.’

