ચર્ચમાં સજાતીય લગ્નો પરનો પ્રતિબંધ હટાવી લેવાની માગ બુલંદ બની

મોટી સંખ્યામાં એંગ્લિકન બિશપો સજાતીય લગ્નના હિમાયતી

Wednesday 09th November 2022 05:12 EST
 

લંડન

ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં સજાતીય લગ્નો પર પ્રતિબંધ હટાવી લેવાની માગ બુલંદ બની રહી છે. વધુ પાંચ એંગ્લિકન બિશપે ઐતિહાસિક બદલાવ માટેના આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યાં છે. વોર્સેસ્ટર એન્ડ ડુડલેના બિશપોએ જણાવ્યું છે કે ચર્ચ સજાતીય સંબંધોને સન્માન આપે તે સમય આવી પહોંચ્યો છે. બિશપ જ્હોન ઇન્ગે અને માર્ટિન ગોરિકે જણાવ્યું હતું કે, અમે સજાતીય યુગલો ચર્ચમાં લગ્ન કરી શકે તેની તરફેણ કરીએ છીએ. જોકે ચર્ચના પાસ્ટર તેમની આત્મસૂઝ પ્રમાણે નિર્ણય લઇ શકે છે.

ઇન્ગેએ જણાવ્યું હતું કે, આ મામલા પર લાંબા સમય સુધી મૌન જાળવી રાખવા માટે હું મારી જાતને દોષી માનું છું. આ માટે હું તમામની માફી માગું છું. બકિંગહામ, રીડિંગ અને ડોર્ચેસ્ટરના બિશપોએ પણ સજાતીય લગ્નને સમર્થન આપ્યું છે. ઓક્સફર્ડના બિશપે જણાવ્યું છે કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે સજાતીય યુગલોના ચર્ચમાં લગ્ન પરના પ્રતિબંધને હટાવી લેવો જોઇએ.

બિશપ સ્ટીવન ક્રોફ્ટે આ અંગે એક વિસ્તૃત નિબંધ પ્રસિદ્ધ કર્યો છે. તેઓ સજાતીય યુગલોના ચર્ચમાં લગ્નના જોરદાર હિમાયતી રહ્યાં છે. તેઓ તો પાદરીઓના સજાતીય સંબંધોને પણ મંજૂરીની તરફેણ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સજાતીય લગ્નોના મામલે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં દાયકાઓથી મતભેદો પ્રવર્તી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter