લંડનઃ ચાન્સેલર રાચેલ રીવ્ઝે આવકજાવકના હિસાબો સંતુલિત કરવા વધુ નાણા એકત્ર કરવા પડશે તેવી અટકળો વચ્ચે ઓટમ બજેટમાં ટેક્સ નહિ વધારવાની ખાતરી આપવાનો ઈનકાર કર્યો છે. તેમણે ઓટમ બજેટમાં ટેક્સીસ લદાશે અથવા વધુ ખર્ચકાપ મૂકાશે તેને નકાર્યા હતાં પરંતુ, આવી કોઈ ખાતરી આપી નહિ.
ચાન્સેલર રાચેલ રીવ્ઝે 26 માર્ચ બુધવારે યુકેના અર્થતંત્રની હાલત સુધારવા 14 બિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું હતું જેમાં વેલ્ફેરમાં કાપનો પણ સમાવેશ થયો હતો. આ પગલાંથી ગરીબીમાં વધારો થશે તેવી ચેતવણી સાથે લેબર પાર્ટીના સાંસદોએ કાપ પાછો ખેંચવા ચાન્સેલરને અનુરોધ કર્યો હતો.
ટાઈમ્સ રેડિયોએ ઓટમ બજેટમાં ટેક્સીસમાં વધારો અથવા વધુ કાપ કરાશે કે કેમ તેવો પ્રશ્ન પૂછતાં ચાન્સેલરે નકારમાં ઉત્તર વાળ્યો હતો. જ્યારે તેમના પર દબાણ કરાયું અને પૂછાયું કે આનો અર્થ તેઓ આવાં પગલાં નકારે છે જેવો થાય છે. ત્યારે ચાન્સેલરે જણાવ્યું હતું કે વિકાસમાં યોગદાન આપતી ઘણી બાબતો આ સરકાર કરી રહી છે. આમ તેમણે ટેક્સીસમાં વધારા કે વેલ્ફેરમાં વધુ કાપ મુદ્દે સ્પષ્ટ ઈનકાર કર્યો ન હતો.