ચાન્સેલર રીવ્ઝે હાઉસ ઓફ કોમન્સ તથા અન્યત્ર પોતાના બજેટ નિવેદન તેમજ વેલ્ફેરમાં કાપના પગલાંનો બચાવ કર્યો હતો.
• કામ કરી શકે તેવા લોકોએ કામ કરવું જ રહ્યું
ચાન્સેલર રીવ્ઝે LBC પર પોતાના વેલ્ફેર સુધારાઓનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘કામ કરી શકે તેવા લોકોએ કામ કરવું જ જોઈએ. હું લોકોને અર્થપૂર્ણ કામ પર પાછા ફરવા સપોર્ટ કરવાં ઈચ્છું છું.’ તેમણે કહ્યું હતું કે તેઓ યુવા લોકોની પેઢીને ‘માંડી વાળવાં’ ઈચ્છતાં નથી જેમાં 8માંથી 1 યુવા એજ્યુકેશન અથવા એમ્પ્લોયમેન્ટમાં નથી. ગરીબ લોકોને શા માટે દંડી રહ્યાં છો તેવો પડકાર કરાતા રીવ્ઝે તવંગરો પર ટેક્સમાં વધારા અને નોન-ડોમ્સ માટે ટેક્સનાં છીંડાનો અંત લવાયાં તરફ ધ્યાન દોર્યું હતું.
• કંપનીઓ જ્યાં કામ કરતી હોય તે દેશમાં ટેક્સીસ ચૂકવે
ટ્રમ્પ ટેરિફ્સને ટાળવા લેવી પડતી મૂકાશે તેવી અટકળો વચ્ચે ચાન્સેલર રીવ્ઝે જણાવ્યું હતું કે ડિજિટલ સર્વિસીસ ટેક્સ બાબતે સરકારનો દૃષ્ટિકોણ બદલાયો નથી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,‘અમે માનીએ છીએ કે કંપનીઓ જે દેશમાં કામ કરતી હોય, ઓપરેટ કરતી હોય તે દેશોમાં ટેક્સ ચૂકવવાં જોઈએ. આ કારણે જ અમે સૌ પહેલા ડિજિટલ સર્વિસીસ ટેક્સ દાખલ કર્યો હતો અને આ બાબતે અમારો મત બદલાયો નથી.’
• ડિફેન્સને નાણા ફાળવવાનો કોઈ રંજ નથી
પૂર્વ લેબર લીડર જેરેમી કોર્બીને બે બાળકોની બેનિફિટ મર્યાદોનો અંત નહિ લાવવા બદલ ટીકા કરી ત્યારે ચાન્સેલર રીવ્ઝે કહ્યું હતું કે,‘ડિફેન્સમાં વધુ નાણા ફાળવવા બદલ કોઈ માફી માગીશ નહિ.’ ઈઝ્લિંગ્ટન નોર્થના અપક્ષ સાંસદ કોર્બીને્ જણાવ્યું હતું કે,‘આપણા સમાજમાં 4.3 મિલિયન બાળકો ગરીબીમાં જીવે છે. 1.2 મિલિયન લોકો પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ્સ (PIP) મેળવે છે જે તેમના બજેટ નિવેદન પછી ગુમાવી શકે છે. રીવ્ઝે ડિફેન્સમાં ભારે રકમ ફાળવી છે. તેઓ વેલ્ફેર બજેટમાંથી 5 બિલિયન પાઉન્ડ ખેંચવાના નિર્ણયને પાછો ખેંચવા અને અસંખ્ય બાળકો અને પરિવારોને ગરીબીમાં ધકેલતા બે બાળકોની બેનિફિટ મર્યાદાનો અંત લાવવા નહિ વિચારે?’ રીવ્ઝે ઉત્તર આપ્યો હતો કે લેબર સરકાર દેશના રક્ષણને ગંભીરતાથી લે છે. આપણે જ નાટોની સ્થાપનાના પક્ષકાર છીએ. લેબર પારહ્ટી હંમેશાં દેશની રક્ષા કરશે.’