લંડનઃ કોવિડ બેકલોગ દૂર કરવા માટે વધારાનું ભંડોળ માગી રહેલી નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને ચાન્સેલર રિશિ સુનાકે હાલ તો ઈનકાર કરી દીધો છે પરંતુ, કોવિડ-૧૯ બેકલોગ માટે બિલિયન્સ પાઉન્ડ નહિ મળે તો સેવા ઠપ થઈ જશે તેવી હેલ્થ સર્વિસના વડાઓની ચેતવણીના પગલે તેઓ ભારે દબાણ હેઠળ આવી ગયા છે.
કોરોના મહામારીના ગંભીર સંજોગોમાં જે ભંડોળ NHS ને અપાતું હતું તે ચાલુ રાખવા ચાન્સેલર રિશિ સુનાક પર દબાણ થઈ રહ્યું છે. નાણાવર્ષના પ્રથમ છ માસિક ગાળામાં એટલે કે સપ્ટેમ્બર સુધી મહામારીની વધારાની કોસ્ટને સરભર કરવા NHSને માર્ચ મહિનામાં ૭ બિલિયન પાઉન્ડનું ફંડ અપાયું હતું. હવે ઓક્ટોબર-એપ્રિલના ગાળા માટે પણ આટલું જ ભંડોળ આપવા માગણી કરાઈ છે જેને ચાન્સેલર નકારી કહ્યા છે. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૦માં મહામારીના આરંભથી સુનાકે યુકેને કટોકટીમાંથી બહાર કાઢવા બધું જ કરવાની ખાતરી આપી હતી. જોકે, વિક્રમજનક કરજના પગલે ચાન્સેલરનું કહેવું છે કે કોવિડ-૧૯ની સહાય સદાકાળ ચાલી શકે નહિ.
હેલ્થ ટ્રસ્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ્ઝે ચેતવણી આપી છે કે ટ્રેઝરી તરફથી વધારાનું ભંડોળ નહિ મળે તો કોરોના વાઈરસ બેકલોગ પૂરો કરવામાં નાણા ખૂટી પડશે અને કેન્સરની સારવાર, કાર્ડિયાક કેર અને મેન્ટલ હેલ્થ કેર સુધારવાની લાંબા ગાળાની યોજના પર કાપ મૂકવાની ફરજ પડશે.