લંડનઃ લેબર સરકારે સત્તામાં આવતાં જ જનતા પર કરવેરાનો બોજો વધારવાના સંકેત આપી દીધાં છે. ચાન્સેલર રાચેલ રીવ્ઝનો દાવો છે કે અગાઉની કન્ઝર્વેટિવ સરકારે સરકારી તિજોરીમાં પાડેલા 22 બિલિયન પાઉન્ડના ખાડાને પૂરવા કરવેરામાં વધારો કરવો પડશે. જો કે તેમણે વેટ, આવકવેરા અને નેશનલ ઇન્શ્યુરન્સમાં વધારાને નકારી કાઢ્યો છે. તો સવાલ એ છે કે રીવ્ઝ કયા કયા કરવેરામાં વધારો કરશે.
- સ્ટીલ્થ ટેક્સઃ સરકાર કથિત સ્ટીલ્થ ટેક્સ લાદી શકે છે. સ્ટીલ્થ ટેક્સ એટલે કે પાછલા બારણે લદાયેલો ટેક્સ જેને સત્તાવાર રીતે ટેક્સ ગણી શકાય નહીં.
- કેપિટલ ગેઇન ટેક્સઃ ચાન્સેલર રીવ્ઝ કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરી શકે છે. કેપિટલ ગેઇન ટેક્સ સંપત્તિ અને શેરના વેચાણમાંથી થયેલા નફા પર વસૂલવામાં આવે છે.
- પેન્શન ટેક્સઃ ચાન્સેલર રીવ્ઝ પેન્શન ટેક્સમાં અપાતી રાહતો પાછી ખેંચી શકે છે. જ્યારે લોકો અથવા તેમના નોકરીદાતા પ્રાઇવેટ પેન્શન ફંડમાં નાણા જમા કરાવે છે ત્યારે તેમને અમુક મર્યાદામાં ટેક્સમાં રાહત અપાય છે.
- ઇનહેરિટન્સ ટેક્સઃ સરકાર પ્રવર્તમાન 40 ટકાના ઇનહેરિટન્સ ટેક્સમાં વધારો કરી શકે છે. મૃત વ્યક્તિની 3,25,000 પાઉન્ડથી વધુની સંપત્તિ પર આ ટેક્સ વસૂલવામાં આવે છે. ચાન્સેલર ઇનહેરિટન્સ ટેક્સમાં અપાતી રાહત પાછી પણ ખેંચી શકે છે.

