ચાન્સેલર સુનાક ઓટમ બજેટમાં દેવાંબોજ ઘટાડવા ટેક્સનો કડવો ડોઝ આપવા તત્પર

Tuesday 01st September 2020 11:47 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીની બ્રિટિશ અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે અને સરકારનું દેવું ૨ ટ્રિલિયન પાઉન્ડને પાર થઈ ગયું છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાક તિજોરીનો મોટો ખાડો પૂરવા ધનવાન લોકો, બિઝનેસીસ, પેન્શન્સ અને વિદેશી સહાય પર ટેક્સ લાદી ૩૦ બિલિયન પાઉન્ડ મેળવવા તૈયારી કરી રહ્યા છે. નવેમ્બરમાં રજુ થનારાં બજેટ પર લોકોની નજર છે અને સરકાર કેપિટલ ગેઈન્સ ટેક્સ અને કોર્પોરેશન ટેક્સ વધારવા વિચારી રહી હોવાનું કહેવાય છે. જોકે, આના કારણે મહામારીથી ભારે માર સહન કરવો પડ્યો છે તેવા બિઝનેસીસના તીવ્ર વિરોધનો સામનો કરવો પડશે. સરકારની ટેક્સ દરખાસ્તો સામે ટોરી પાર્ટીમાંથી જ વિરોધ થઈ રહ્યો છે. નિષ્ણાતો અનુસાર જો અર્થતંત્રને ઊંચે લાવવું હોય તો કેટલાક વર્ષો સુધી ટેક્સ વધારવાનું મુલતવી રાખવું જોઈએ.

ચાન્સેલર રિશિ સુનાક કોરોના મહામારીના કારણે નોકરીઓ બચાવવા લોકો અને બિઝનેસીસને અપાયેલી તાકીદની જંગી સહાય પછી બે ટ્રિલિયન પાઉન્ડ જેટલી ખાધને પૂરવા માટે ઓટમ બજેટમાં ટેક્સીસ વધારવા વિચારી રહ્યા છે. વડા પ્રધાન જ્હોન્સન કરકસરના પગલાંની સ્પષ્ટ વિરુદ્ધ છે. તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની યોજનાઓ પાછળ અને નોકરીઓના સર્જન પાછળ મોટા પાયે ખર્ચા કરવા માગે છે.

બજેટમાંથી નાણા મેળવવાના માર્ગો

• ટ્રેઝરી અધિકારીઓ વિદેશી સહાય બજેટમાંથી નાણા મેળવવાના માર્ગો તપાસી રહ્યા છે. કોવિડ-૧૯ના કારણે આ વર્ષે વિદેશોને અપાનારી સહાયના આ વર્ષના ૧૫.૮ બિલિયન પાઉન્ડના બજેટમાંથી ૨.૯ બિલિયન પાઉન્ડનો કાપ મૂકાઈ જ ગયો છે. જો હજુ કાપ મૂકવો હોય તો યુકેએ રાષ્ટ્રીય આવકના ૦.૭ ટકા વિદેશી વિકાસ પાછળ ખર્ચવા જણાવતા કાયદામાં બદલાવ કરવો પડશે. કહેવાય છે કે ચાન્સેલરને આ મુદ્દે વડા પ્રધાન જ્હોન્સન અને ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબનું પણ સમર્થન છે.

• ચાન્સેલર કોર્પોરેશન ટેક્સ ૧૯ ટકાથી વધારી ૨૪ ટકા કરવા વિચારે છે જેમાંથી આગામી વર્ષે ૧૨ બિલિયન અને ૨૦૨૩-૨૪માં ૧૭ બિલિયન પાઉન્ડ મળી શકશે. સમગ્ર વિશ્વમાં બિઝનેસીસ પર સરેરાશ ૨૪ ટકાનો ટેક્સ છે. નવો વધારો કરાશે તો પણ તે જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેનની સરખામણીએ ઘણો નીચો હશે તેમ દલીલ કરાઈ રહી છે.

• ચાન્સેલર સુનાકે જુલાઈમાં કેપિટલ ગેઈન્સ ટેક્સમાં કેવી રીતે સુધારા કરી શકાય તેની સમીક્ષાનો આદેશ કર્યો હતો. હવે અધિકારીઓ ઈન્કમ ટેક્સ અને કેપિટલ ગેઈન્સ ટેક્સને સમાન કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. બજેટ બ્લુપ્રિન્ટ અનુસાર લોકોએ તેઓ ઈન્કમ ટેક્સ ચૂકવે છે તે જ દરથી કેપિટલ ગેઈન ટેક્સ ભરવાનો થશે જેનાથી વાર્ષિક ૧૪ બિલિયન પાઉન્ડ મળી શકશે.

• આનો અર્થ એ છે કે બીજા ઘરના માલિકો અને બાય-ટુ-લેટ પ્રોપર્ટીઝના માલિકો તેમની પ્રોપર્ટી વેચે ત્યારે વર્તમાન ૨૮ ટકાના બદલે ૪૦ અથવા ૪૫ ટકાના હિસાબે કેપિટલ ગેઈન્સ ટેક્સ ભરવાનો થશે. વેતનના બદલે કંપની ડિવિડન્ડ્સ પર જીવન ગુજારતા ફેમિલી બિઝનેસીસના ટેક્સ પણ ઊંચા જશે. જોકે, આ ફેરફારોથી ફેમિલીના મુખ્ય ઘરને કોઈ અસર થશે નહિ. તમારી કાર અથવા તમારા મુખ્ય ઘર સિવાય ૬,૦૦૦ પાઉન્ડથી વધુ કિંમતની મિલકતોના વેચાણથી થયેલા નફા પર કેપિટલ ગેઈન્સ ટેક્સ ચૂકવવાનો રહે છે. વાર્ષિક એલાવન્સની રકમ ૧૨,૩૦૦ પાઉન્ડથી વધે અને કપલ માટે સંયુક્ત ૨૪,૬૦૦ પાઉન્ડથી વધે ત્યારે પણ ટેક્સ ચૂકવવાનો થાય છે.

• દેશના કોવિડ બિલને સરભર કરવા સુનાક ફ્યૂલ ડ્યૂટીમાં પાંચ પેન્સનો વધારો કરવા વિચારી રહ્યા છે. ૧૦ વર્ષથી ફ્યૂલ ડ્યૂટીમાં કોઈ ફેરફાર કરાયો નથી. ફૂગાવાને સુસંગત ફ્યૂલ કિંમતોમાં પહેલા બે પેન્સનો તત્કાળ વધારો થશે અને ત્યાર પછી વધુ ૩ પેન્સ વધારી દેવાશે.

• ટ્રેઝરી અધિકારીઓ પેન્શન્સ ટેક્સ રાહતોમાંથી પણ બિલિયન્સ પાઉન્ડ મેળવવા આગળ વધી રહ્યા છે. આ રાહતોથી ઈન્કમ ટેક્સના ઊંચા દર ચૂકવનારાઓને લાભકારી દરે રિટાયરમેન્ટ માટે બચત કરવામાં મદદ થાય છે. પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદે હોદ્દો છોડ્યો તે પહેલા ૩૦ ટકાના નિશ્ચિત દરે એક વખતની રાહતની યોજના ઘડી હતી.

• સુનાકે પેન્શરો માટેની ‘ટ્રિપલ લોક’ વ્યવસ્થા દૂર કરવાનું પણ વિચાર્યું છે. જોકે, વડા પ્રધાન જ્હોન્સન ઈલેક્શન મેનિફેસ્ટો અને સરકારની લોકપ્રિયતાને પણ અસર થવાની શક્યતાની વાત આગળ ધરી તેનો વિરોધ કરી રહ્યા છે.

• ચાન્સેલરે મે મહિનામાં સ્વરોજગારી સાથેના લોકોને મહામારીની મુશ્કેલીમાંથી બહાર લાવવા ૮ બિલિયન પાઉન્ડની સ્કીમ જાહેર કરી ત્યારે પણ આ લોકોએ વધુ ટેક્સ ચૂકવવો પડશે તેવો સંકેત આપ્યો હતો. સરકારે ફર્લો સ્કીમમાં જ ૧૦ મિલિયન લોકોને વેતન ચુકવવા પાછળ જુલાઈના અંત સુધીમાં ૩૧.૭ બિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે અને દર મહિને તેમાં ૧૪ બિલિયન પાઉન્ડનો વધારો થતો જાય છે. ચાન્સેલરના ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ હેઠળ રેસ્ટોરાં ભોજનમાં સબસિડી આપવાનો ખર્ચ ૬૦૦ મિલિયન પાઉન્ડ ખર્ચ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter