ચાન્સેલર સુનાકનું £૧૫ બિલિયનનું મિનિ રાહત બજેટઃ NI ફાળા, ફ્યૂલ ડ્યૂટીમાં ઘટાડો

Wednesday 30th March 2022 02:10 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે બુધવાર 23 માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરેલા ૧૫ બિલિયન પાઉન્ડના નવા કોસ્ટ ઓફ લિવિંગ પ્લાન સમાન મિનિ બજેટમાં ઈન્કમ ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સમાં કાપની રાહતો જાહેર કરી હતી. તેમણે વર્તમાન પાર્લામેન્ટના અંત પહેલા 2024માં ઈન્કમ ટેક્સનો બેઝિક રેટ 20પેન્સથી ઘટાડી 19 પેન્સ કરવાની જાહેરાત કરી છે. 16 વર્ષમાં પહેલી વખત બેઝિક રેટમાં ઘટાડો કરાયો છે. નેશનલ ઈન્સ્યુરન્સ ચૂકવણીની વેતનમર્યાદા 3000 પાઉન્ડ ઊંચે લઈ જઈ 12,570 પાઉન્ડ નિર્ધારિત કરવામાં આવી છે.

ચાન્સેલરના તત્કાળ અમલી બનનારાં પગલાંમાં ફ્યૂલ ડ્યુટીમાં કાપ, મકામમાલિકો માટે ગ્રીન એનર્જી ઉપકરણો પરનો VAT રદ કરવા તેમજ સૌથી ગરીબોને મદદ કરવાના હાઉસહોલ્ડ સપોર્ટ ફંડને 1 બિલિયન પાઉન્ડ સુધી લઈ જવાનો સમાવેશ થાય છે. તેમણે વર્કર્સ માટે મોટા પાયે ટેક્સરાહતો, જુલાઈ મહિનાથી નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં ફેરફાર પણ જાહેર કર્યા હતા. ચાન્સેલરે સમોલ બિઝનેસીસ માટે મદદ જાહેર કરી હતી અને 1 એપ્રિલથી તેમના માટે એમ્પ્લોયમેન્ટ એલાવન્સ વધારીને 5,000 પાઉન્ડ કર્યું હતું. આના પરિણામે, 500,000 સ્મોલ બિઝનેસીસ માટે 1,000 પાઉન્ડની મદદ મળશે.

દરમિયાન, સુનાકે સ્પષ્ટ કર્યું હતું કે વૈશ્વિક પડકારો ઘણા છે અને બ્રિટને પોતાના ફાઈનાન્સ પ્રતિ સાવધાનીપૂર્ણ વલણ રાખવું પડશે. તેમણે કહ્યું હતું કે રશિયા સાથે મડાગાંઠમાં યુક્રેનને બ્રિટન મદદ કરી રહ્યું છે અને આર્થિક પ્રતિબંધો કામ કરી રહ્યા છે પરંતુ, આનાથી બ્રિટિશ અર્થતંત્રની રિકવરીમાં જોખમ પણ છે.

NI ફાળાની વેતનમર્યાદા વધારી

ચાન્સેલર સુનાકે નેશનલ ઈન્સ્યુરન્સ (NI)ના ફાળાની નીતિમાં સૌથી મહત્ત્વનો ફેરફાર જાહેર કર્યો હતો. આ જુલાઈ મહિનાથી NIના ફાળા ચૂકવણી માટેની વેતનમર્યાદા 3000 પાઉન્ડ વધારીને 12,570 પાઉન્ડ કરવામાં આવી છે. સુનાકે કહ્યું હતું કે દાયકામાં આ સૌથી મોટો સિંગલ પર્સનલ ટેક્સ કાપ છે. સમગ્ર યુકેમાં 30 મિલિયન લોકો માટે આ 6 બિલિયન પાઉન્ડની પર્સનલ ટેક્સ રાહત છે અને કર્મચારીઓને વાર્ષિક 330 પાઉન્ડથી વધુની રાહત મળશે. આનો અર્થ એ છે કે 12,570 પાઉન્ડથી ઓછી આવક ધરાવનારે કોઈ નેશનલ ઈન્સ્યુરન્સ ભરવાનો થશે નહિ. સુનાકની જાહેરાતને કોમન્સમાં વધાવી લેવાઈ હતી પરંતુ, આ લેવી તદ્દન રદ નહિ કરવા બદલ ટીકા પણ થઈ હતી. અગાઉ 1 એપ્રિલથી NI ફાળામાં 1.25 પર્સન્ટેજ પોઈન્ટના વધારાની જાહેરાત કરાઈ હતી અને ચાન્સેલર અને વડા પ્રધાને તે પાછી ખેંચવા સદતંર ઈનકાર કર્યો હતો.

ઈન્કમ ટેક્સના બેઝિક રેટમાં પણ ઘટાડો

ચાન્સેલર સુનાકે ઈન્કમ ટેક્સ બાબતે પણ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે વર્તમાન પાર્લામેન્ટના અંતે 2024માં તેઓ ઈન્કમ ટેક્સનો બેઝિક રેટ 20 પેન્સથી ઘટાડી 19 પેન્સ કરશે. બેઝિક રેટમાં ઘટાડો 16 વર્ષમાં પહેલી વખત કરાશે. સુનાકે કહ્યું હતું કે વર્કર્સ, પેન્શનર્સ, બચતકારોને ટેક્સમાં રાહત મળશે. 30 મિલિયનથી વધુ લોકો માટે આ 5 બિલિયન પાઉન્ડની પર્સનલ ટેક્સ રાહત છે. જોકે, ચાન્સેલરે વધુ વિગતો અને ક્યારથી અમલ કરાશે તેની સ્પષ્ટતા કરી ન હતી. જોકે, ટીકાકારો આને સામાન્ય ચૂંટણી પહેલા અમલી બનાવાય તેવી રમત ગણાવે છે.

ફ્યૂલ ડ્યૂટીમાં તત્કાળ કાપ

ચાન્સેલર સુનાકે સ્ટેટમેન્ટની શરૂઆતમાં જ તત્કાળ અમલી થનારા ત્રણ પગલાં જાહેર કર્યા હતા જેમાં, ફ્યૂલ ડ્યૂટીમાં એક વર્ષ સુધી પ્રતિ લિટર 5pનો કાપ મુખ્ય છે. તેમણે કહ્યું હતું કે તમામ ફ્યૂલ ડ્યૂટીમાં આ સૌથી મોટો કાપ છે. સુનાકે ઘરોમાં સોલાર પેનલ્સ, હીટ પમ્પ્સ અથવા ઈન્સ્યુલેશન્સ જેવા એનર્જી બચાવતા ઉપકરણો પરનો પાાંચ ટકા VAT રદ કરવાની પણ જાહેરાત કરી હતી. સુનાકે કહ્યું હતું કે આ લેવી ઈયુ કાયદાના પરિણામે હતી અને બ્રેક્ઝિટના કારણે સરકાર તેને પડતી મૂકી શકી છે. સોલાર પેનલ લગાવનારા પરિવારને 1,000 પાઉન્ડથી વધુ ટેક્સમાં બચત અને એનર્જી બિલમાં પ્રતિ વર્ષ 300 પાઉન્ડની બચત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter