લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે સરકાર દ્વારા કોરોના વાઈરસ મહામારી સામે લડવામાં કરાયેલા ૨૮૦ બિલિયન પાઉન્ડના ખર્ચાને આવરી લેવા ઈમર્જન્સી વેલ્થ ટેક્સ લાદવાની દરખાસ્તને ફગાવી દીધી છે. આ દરખાસ્તમાં વ્યક્તિઓ માટે ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ સંપત્તિ અથવા દંપતી માટે ફેમિલી હોમ અને પેન્શન સહિત ૧ મિલિયન પાઉન્ડથી વધુ સંપત્તિ હોય તેમના પર એક સમય માટે ટેક્સ લાદવાનો સમાવેશ થતો હતો. ચાન્સેલરે જણાવ્યું હતું કે આવી દરખાસ્ત કન્ઝર્વેટીવ્ઝ મૂલ્યો માટે યોગ્ય નહિ ગણાય. જોકે, તેઓ કેપિટલ ગેઈન્સ ટેક્સ વધારી સમૃદ્ધ લોકો પાસેથી બિલિયન્સ પાઉન્ડ એકત્ર કરવાની દરખાસ્તો પર વિચાર કરી રહ્યા છે.
ધ વેલ્થ ટેક્સ કમિશને હાઉસિંગ, પેન્શન, બિઝનેસ, ઈક્વિટી અને સેવિંગ્સની સંપત્તિ પર પાંચ ટકાની લેવી લાદવાની દરખાસ્ત કરી હતી. આ લેવીથી ૨૬૦ બિલિયન પાઉન્ડ મેળવી શકાશે તેવી ગણતરી હતી. આ ટેક્સ ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ સંપત્તિ ધરાવતા દરેક બ્રિટિશ રહેવાસીને લાગુ પાડવાનો હતો જેમાં, મોર્ગેજના દેવાંને બાકાત રાખી તમામ ઘરનો સમાવેશ કરાવાનો હતો. આશરે દર છમાંથી એક વયસ્ક – ૮.૨ મિલિયન લોકો આ ટેક્સને પાત્ર બનવાના હતા પરંતુ, ટેક્સનો બોજ સૌથી વધુ તો વૃદ્ધ પેઢીઓ પર લાગવાનો હતો જેમણે પોતાના મોટા ભાગના મોર્ગેજ ચૂકવી દીધા હોય અને વધુ પ્રમાણમાં પેન્શન એકત્ર કર્યું હોય.
આ દરખાસ્ત હેઠળ આવનારા ૪૦ ટકા લોકો ૬૫ વર્ષથી વધુ વયના તેમજ માત્ર ૬ ટકા લોકો ૩૫-૪૪ વયજૂથના હતા. વેલ્થ ટેક્સ કમિશને પરિવારો વાર્ષિક ૧ ટકાના દરે પાંચ વર્ષ સુધી લેવી ચૂકવે તેવી ભલામણ કરી હતી. તેના અંદાજ અનુસાર અસરગ્રસ્તોમાંથી ૧૦ ટકા ‘સંપત્તિએ સમૃદ્ધ અને રોકડમાં ગરીબ’ હોઈ શકે જેમની પાસે ટેક્સ ચૂકવવા તત્કાળ નાણા મળી શકે તેમ ન હોય. આવા લોકો લાંબા સમય સુધી નાની રકમના હપ્તા ચૂકવે તેવું પણ સૂચન હતું.
માર્ચમાં બજેટ રજૂ કરનારા ચાન્સેલર સુનાક અન્ય પગલાં પણ વિચારી રહ્યા છે જેમાં કેપિટલ ગેઈન્સ ટેક્સ (CGT) વધારવાનો સમાવેશ થાય છે. ISA જેવા ટેક્સ ફ્રી એકાઉન્ટમાં નહિ રખાયેલા ઈન્વેસ્ટમેન્ટ્સના વેચાણથી થયેલા નફા પર CGT લાગુ કરાય છે. સામાન્યપણે એન્ટ્રેપ્રીન્યોર્સ તેમના બિઝનેસને વધારવા તેમાં હિસ્સો વેચે અથવા નવા માલિકોને સુપરત કરે ત્યારે CGT ચૂકવે છે. ૧૨,૩૦૦ પાઉન્ડથી વધુ નફા પર આ ટેક્સ ૧૦ ટકાના અથવા વેચાણકારની સમગ્રતયા કમાણીના આધારે ૨૦ ટકા ચાર્જ કરાય છે. હાલ જાહેર ક્ષેત્રનું દેવું સમગ્ર અર્થતંત્રના મૂલ્ય કરતાં પણ વધુ ૨ ટ્રિલિયન પાઉન્ડને આંબી ગયું છે. સરકારે ખર્ચ અને રેવન્યુ વચ્ચેની ખાઈ સરભર કરવા એપ્રિલથી નવેમ્બર દરમિયાન ૨૮૪.૭ બિલિયન પાઉન્ડનું કરજ કર્યું છે.


