ચાન્સેલર સુનાકે બીમાર બિઝનેસીસની સહાયમાં નાણાકોથળી ફરી ખુલ્લી મૂકી

નાણાધીરાણ કરવા બેન્કો પર દબાણ વધાર્યુઃ નવા પગલાંનો લાભ ૫૦૦ મિલિયન પાઉન્ડ સુધીના ટર્નઓવર સાથેની મોટી અને નાની કંપનીઓને પણ મળશેઃ

Monday 06th April 2020 00:29 EDT
 
 

લંડનઃ દેશની બેન્કો અને ધીરાણકારો બિઝનેસીસનું શોષણ કરી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે ચાન્સેલર રિશિ સુનાકે બીમાર બિઝનેસીસની સહાય કરવા નાણાકોથળી ફરી ખુલ્લી મૂકી છે તેમજ નાણાધીરાણ કરવા બેન્કો પર દબાણ વધાર્યું છે. કોરોના વાઈરસના શટડાઉનના કારણે સર્વિસ સેક્ટર ૨૫ વર્ષમાં ન જોવાઈ હોય તેવી ગંભીર હાલતમાં આવી પડ્યું છે. બેન્કો સરકારની કેશ સપોર્ટ સ્કીમ માટેની અરજીઓ ફગાવી રહી હોવાનું કહેવાય છે. કેટલીક બેન્કોએ કંપનીઓને કહેવાયું છે કે તેઓ બેન્કોની પોતાની જ લોન્સ મેળવી શકે છે. યુકેની સૌથી મોટી કંપનીઓ માટે સરકારે ૧.૯ બિલિયન પાઉન્ડની સહાય જાહેર કરેલી જ છે હવે તેમાં છ એપ્રિલથી વધુ ૧.૬ બિલિયન પાઉન્ડનો વધારો કરવામાં આવશે. ટુંકમાં સરકાર કુલ ૩૩૦ બિલિયન પાઉન્ડની સહાય ઓફર કરી રહી છે.

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસના આઘાત સામે ટકી રહેવા બિઝનેસીસ માટે મલ્ટિ-બિલિયન પાઉન્ડની યોજનાને વિસ્તારી છે જેનાથી લાખો વર્કર્સને પોતાની નોકરીઓ જાળવી રાખવામાં મદદ થશે. નવા પગલાંનો લાભ ૫૦૦ મિલિયન પાઉન્ડ સુધીના ટર્નઓવર સાથેની મોટી અને નાની કંપનીઓ પણ મેળવી શકશે. બીજી તરફ, કોરોના મહામારી સામેની લડતમાં અર્થતંત્ર થંભી ગયું છે ત્યારે યુકેનું સર્વિસ સેક્ટર ૧૯૯૬ પછી સૌથી ખરાબ હાલતમાં આવ્યું છે.

બેન્કો સરકારી કેશ સપોર્ટ સ્કીમની અરજીઓ ફગાવી બિઝનેસીસ પર પોતાની લોન્સ લેવાના દબાણ સાથે શોષણ કરી રહી હોવાની ફરિયાદો વધતાં ટ્રેઝરીએ લેન્ડર્સ પર નવા નિયમો લાદ્યા છે. હવે અરજી કરનારી કંપની પહેલા બેન્કોની લોન માટે પાત્ર છે કે કેમ તે વિચારવાની જોગવાઈ રદ કરી શકે છે. જોકે, સરકારની સહાય યોજના કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CBILS)ની સરખામણીએ બેન્કલોન વધુ ખર્ચાળ છે કારણકે સરકારી યોજનામાં પહેલા વર્ષે કોઈ વ્યાજ નથી.

કંપનીએ ૨૫૦,૦૦૦ પાઉન્ડથી ઓછું ધીરાણ મેળવવા અરજી કરી હોય તો પર્સનલ ગેરન્ટીની માગણી નહિ કરવા બેન્કોને જણાવાયું છે. ચાન્સેલર સુનાકે બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમમાં સુધારો પણ કર્યો છે જેથી ૪૫-૫૦૦ મિલિયન પાઉન્ડના વાર્ષિક ટર્નઓવર સાથેની કંપનીઓ પણ તેમની બેન્કો પાસે સહાયની માગણી કરી શકે.

નાની અને મધ્યમ કદની એક મિલિયન ફર્મ્સ તાકીદની સહાય વિના બંધ થઈ જશે તેવી ચેતવણીના પગલે આ આ હસ્તક્ષેપ કર્યો છે. બે સપ્તાહ અગાઉ, બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ જાહેર કરાયા પછી ૧૩૦,૦૦૦ ફર્મ્સ દ્વારા તેના વિશે પૂછપરછ કરાઈ હતી. અત્યાર સુધી નાની અને મધ્યમ કદની આશરે ૧,૦૦૦ પેઢીઓને જ લોન મંજૂર કરાઈ છે. બીજી તરફ, રોષિત બેન્કોનું કહેવું છે કે તેઓ ટ્રેઝરી દ્વારા સ્થાપિત નિયમોનું જ પાલન કરી રહેલ છે.

નવા જાહેર કરાયેલાં પગલાં શું છે?

ચાન્સેલર સુનાક દ્વારા જાહેર કરાયેલા નવા પગલાંમાં ખાસ કરીને આ મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.

• નવી કોરોના વાઈરસ લાર્જ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CLBILS) દાખલ કરવામાં આવી છે જેના હેઠળ વાર્ષિક ૪૫ મિલિયન અને ૫૦૦ મિલિયન પાઉન્ડ વચ્ચેનું ટર્નઓવર ધરાવતી બિઝનેસ ફર્મ્સને ૨૫ મિલિયન પાઉન્ડ સુધીનું લોનધીરાણ આપી શકાય તે માટે સરકાર દ્વારા ૮૦ ટકા સરકારી ગેરન્ટી આપવામાં આવશે.  

• ધીરાણપ્રક્રિયાને ઝડપી બનાવવા અને અરજદારો માટે નાણાકીય જોખમ ઘટાડવા ૨૫૦,૦૦૦ પાઉન્ડથી ઓછી રકમની લોન્સ પર કરજ-જોખમની અંગત ગેરન્ટીઓની માગણીઓ બેન્કો કરી ન શકે તેવો પ્રતિબંધ   

• વર્તમાન કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CBILS)નો વિસ્તાર કરાયો છે જેથી, કોવિડ-૧૯ની અસર હેઠળના નાના બિઝનેસીસ પણ અરજી કરવાનો લાભ મેળવી શકે. જેઓ કોમર્શિયલ ફાઈનાન્સિંગ ન મેળવી શકે તેમના સુધી જ આ મર્યાદિત રહેશે નહિ.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter