ચાન્સેલર હન્ટના બજેટમાં મહત્ત્વની જાહેરાતો

Tuesday 21st March 2023 07:58 EDT
 
 

ચાન્સેલર જેરેમી હન્ટના બજેટમાં કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી હતી જેમાં,પેન્શન લાઇફટાઇમ એલાઉન્સ નાબૂદી,ચાઇલ્ડ કેર સપોર્ટમાં વધારો,એનર્જી પ્રાઇઝ ગેરેંટીની મુદત લંબાવવા, સંરક્ષણ બજેટમાં વધારો,કોર્પોરેશન ટેક્સમાં વધારો,વિકલાંગો માટે નવી રોજગાર યોજના,સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર વધુ ટેક્સ,મિનિમમ વેજ વધારવા સહિતનો સમાવેશ થાય છે.

1. અગાઉ 1.07 મિલિયન પાઉન્ડ નક્કી કરાયેલું પેન્શન લાઇફટાઇમ એલાઉન્સ નાબૂદ કરાયું, જેના કારણે સરકાર પર આગામી પાંચ વર્ષમાં 2.75 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. પેન્શનફંડમાં કરમુક્ત રોકાણ 40,000 પાઉન્ડથી વધારીને 60,000 પાઉન્ડ કરાયું

2. વિનામૂલ્યે ચાઇલ્ડ કેર સપોર્ટ વધારીને 9 માસથી 4 વર્ષના બાળક સુધી કરાયો જેના પગલે માતાપિતાને પ્રતિ સપ્તાહ 30 કલાક વિનામૂલ્યે ચાઇલ્ડકેર ઉપલબ્ધ થશે, સરકારને પાંચ વર્ષમાં 17.3 બિલિયન પાઉન્ડનો બોજો પડશે.

3. એનર્જી પ્રાઇઝ ગેરેંટી વધુ 3 મહિના એટલે કે જૂન સુધી લંબાવાઇ. જૂન સુધી વીજળીના બિલ પ્રતિ વર્ષ 2500 પાઉન્ડની મર્યાદામાં જ રહેશે.

4. ઇંધણો પરની ડ્યુટી યથાવત રાખવામાં આવી અને તેમાં મૂકાયેલો પાંચ પેન્સનો કાપ વધુ એક વર્ષ માટે જારી રહેશે જેના કારણે સરકાર પર 6 બિલિયન પાઉન્ડનો બોજો પડશે.

5. સરકાર દ્વારા જાહેર કરાયેલા 12 નવા ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં રોકાણ કરીને કંપનીઓ કરવેરામાં રાહત મેળવી શકશે.

6. આગામી પાંચ વર્ષમાં સંરક્ષણ બજેટમાં 11 બિલિયન પાઉન્ડ સુધીનો વધારો કરાશે. 2025 સુધીમાં સંરક્ષણ ફાળવણી જીડીપીના 2.25 ટકા સુધી પહોંચી જશે.

7. પહેલી એપ્રિલથી કોર્પોરેશન ટેક્સ 19 ટકાથી વધારીને 25 ટકા કરાયો. કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેક્ટરી અને મશીનરી આસેટ્સમાં રોકાણ કરીને કરવેરામાં લાભ મેળવી શકશે.

8. કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ પ્રોજેક્ટ માટેની ફાળવણી 20 બિલિયન પાઉન્ડ કરાઇ. સરકાર પરમાણુ વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે.

9. વિકલાંગો માટે નવી રોજગાર યોજનાનો પ્રારંભ કરાશે જેમાં લાંબાસમયથી બીમાર એવા 50,000 લોકોને ફરી વર્કફોર્સમાં સામેલ કરાશે. મેન્ટલ હેલ્થ માટે 400 મિલિયન પાઉન્ડની વધારાની ફાળવણી.

10. સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર 12 ટકા કરતાં વધુનો ટેક્સ લદાતાં ધુમ્રપાન મોંઘું બની જશે. સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પરનો નવો ટેક્સ તાત્કાલિક અમલી બનવાનો હોવાથી યુકેમાં 20 સિગારેટના એક પેકેટની કિંમતમાં 1.55 પાઉન્ડ સુધીનો વધારો

11. ઓગસ્ટથી આલ્કોહોલ પરની ડ્યુટી સામાન્ય રીત પ્રમાણે ફુગાવાના દરને અનુસંગત વસૂલવામાં આવશે. રિટેલ પ્રાઇઝ ઇન્ડેક્સ 10.1 ટકા હોવાથી તેને અનુસંગત ડ્યુટીની વસૂલાત કરાશે. જોકે સુપર માર્કેટ કરતાં પબમાં બિયરની કિંમતો 11 પેન્સ સસ્તી રહેશે.

12. સરકાર દ્વારા અપાતા લાભો અને સ્ટેટ પેન્શનમાં એપ્રિલથી 10.1 ટકાનો વધારો થવા જઇ રહ્યો છે. તેવી જ રીતે કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ્સની ચૂકવણી નવા વર્ષમાં પણ ચાલુ જ રહેશે.

13. એપ્રિલથી આવકવેરાના આ નવા નિયમો પણ લાગુ થઇ રહ્યાં છે. જે અંતર્ગત 12570 પાઉન્ડથી વધુની આવક ધરાવતા લોકોને 20 ટકા અને 50270 પાઉન્ડથી વધુની આવક ધરાવનારાએ 40 ટકા આવકવેરો ચૂકવવો પડશે. એપ્રિલથી 1,25,140 પાઉન્ડની વાર્ષિક આવક ધરાવનારાએ 45 ટકા આવકવેરો ચૂકવવો પડશે

14. એપ્રિલથી મિનિમમ વેજ વધીને 10.42 પાઉન્ડ પ્રતિ કલાક થવા જઇ રહ્યો છે. જે હાલ 9.50 પાઉન્ડ પ્રતિ કલાક છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter