ચાન્સેલર હેમન્ડ નો-ડીલ બ્રેક્ઝિટના સંજોગોમાં બિલિયન્સ ખર્ચવા સજ્જ

Tuesday 18th December 2018 01:17 EST
 
 

લંડનઃ જો પોતાની બ્રેક્ઝિટ સમજૂતી બચાવવાના વડા પ્રધાન થેરેસા મેના પ્રયાસો યુરોપિયન યુનિયન ફગાવી દે તેવા સંજોગોમાં નો-ડીલ બ્રેક્ઝિટની તૈયારી માટે ચાન્સેલર ફિલિપ હેમન્ડ સેંકડો મિલિયન્સ પાઉન્ડની કોથળી ખુલ્લી મૂકવા સજ્જ થઈ રહ્યા છે. ગત વર્ષે ચાન્સેલર હેમન્ડે વાટાઘાટો તૂટી પડે તેને નજરમાં રાખી ત્રણ બિલિયન પાઉન્ડની ફાળવણી કરી હતી, જેમાંથી મોટા ભાગની રકમ ખર્ચવાની બાકી છે.

અરાજક બ્રેક્ઝિટથી અસર પામનારા ડિપાર્ટમેન્ટ્સના મિનિસ્ટર્સ આ રકમો ખર્ચવા માગે છે. જો આઈરિશ બેકસ્ટોપ મુદ્દે કોઈ રાહત ન મળે તો યુકે માટે બ્રેક્ઝિટ સમજૂતીને પાર્લામેન્ટમાં પસાર કરાવવાનું મુશ્કેલ બની રહેશે. નવો વિકલ્પ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનિઝેશનની શરતોના અમલનો રહેશે જેથી ત્રીજા દેશ તરીકે મુક્ત વેપાર સમજૂતીઓ માટે વાટાઘાટો કરી શકાય. યુકેએ ડાઈવોર્સ સેટલમેન્ટ તરીકે ઈયુને ૩૯ બિલિયન પાઉન્ડ આપવાના થાય છે. જોકે, ઈયુ પણ નાણાભીડમાં હોવાથી ઓછામાં ઓછી ૨૦ બિલિયન પાઉન્ડ જેટલી રકમમાં માની જાય તેવી શક્યતા છે.

ઈયુમાંથી વ્યવસ્થિત બહાર નીકળવાની યોજનામાં નાગરિકોના અધિકારો વિશે સમજૂતીઓ થઈ શકે પરંતુ, રાજકીય ઘોષણા કે આયર્લેન્ડ બેકસ્ટોપ વ્યવસ્થાનો સમાવેશ નહિ થાય. આયર્લેન્ડ હાર્ડ બોર્ડરને ટાળવાનો ઉપાય શોધવા ઈયુને પણ મહેનત કરવાની ફરજ પડશે. બીજી રીતે સરકાર ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ઈયુ સાથે વેપાર સમજૂતી કરવાના પ્રયાસો કરી શકે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter