ચાન્સેલર હેમન્ડના બજેટમાં NIC ફાળામાં વધારાથી ભારે નિરાશા

Wednesday 15th March 2017 06:53 EDT
 
 

લંડનઃ ચાન્સેલર ફિલિપ હેમન્ડના સ્પ્રિંગ બજેટે મધ્યમ વર્ગના લોકોને તીવ્ર આઘાત પહોંચાડ્યો છે. તેમજ સ્ટોક માર્કેટ, પ્રોપર્ટી અને અન્ય મિલકતોમાં નાણા રોકાણ કરનારા માટે પણ નિરાશનું વાતાવરણ સર્જ્યુ છે. જોકે નાના બિઝનેસીસ માટે બિઝનેસ રેટ્સ સહિતના મુદ્દે યોગ્ય પગલાં લેવાયાં છે પરંતુ સેલ્ફ એમ્પ્લોઈડ માટે નેશનલ ઇન્સ્યુરન્સ ફાળામાં ભારે વધારો આઘાતજનક બની રહ્યો છે. તો લગભગ ડચકાં ખાતી સોશિયલ કેર સિસ્ટમમાં ૨ બિલિયન પાઉન્ડની ફાળવણી સારી નીવડી છે. ચાન્સેલર તરીકે પોતાના પ્રથમ બજેટમાં હેમન્ડે નેશનલ ઈન્સ્યુરન્સના મુદ્દે તીવ્ર વિરોધ વહોરી લીધો છે. સામાન્ય ચૂંટણીના ઘોષણાપત્રમાં NI, ઈન્કમટેક્સ અથવા VAT નહીં વધારવાના વચનનો ભંગ થયો હોવાનું ટોરી સાંસદોએ જણાવ્યું હતું. ભારે વિરોધના પગલે વડા પ્રધાન થેરેસા મેએ આ દરખાસ્તનો અમલ ઓટમ બજેટ સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી.

સામાન્ય પરિવારો પર સીધા હુમલા તરીકે બજેટ દસ્તાવેજોમાં જણાવાયું છે કે કેપીટલ ગેઇન્સ ટેક્સ તરીકે ચૂકવાતી રકમ અને ઇન્હેરીટન્સ ટેક્સમાં વધારો થવાની શક્યતા છે. વેલ્થ ટેક્સના કારણે આગામી પાંચ વર્ષમાં પરિવારોએ ૮૦ બિલિયન પાઉન્ડથી પણ વધુ ચૂકવણી કરવી પડશે.

નેશનલ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન્સ

વર્તમાન નિયમો અનુસાર કર્મચારીઓ ૮૨૭ અને ૩૫૮૩ પાઉન્ડ માસિક કમાણી પર ૧૨ ટકા ક્લાસ વન NIC ચૂકવે છે. આ પછીની કમાણી પર ૨ ટકા ચૂકવણી કરવાની થાય છે. આ પછી નોકરીદાતાએ વેતન અને બેનિફિટ્સ પર વધારાના ૧૩.૮ ટકા ચૂકવવાના થાય છે. આનાથી વિરુદ્ધ સેલ્ફ એમ્પ્લોઈડ વ્યક્તિ ૮૦૬૦ અને ૪૩૦૦૦ પાઉન્ડ વચ્ચેના પ્રોફીટ પર ૯ ટકાના ધોરણે ક્લાસ-૪ NIC ચૂકવે છે. આનાથી વધુ પ્રોફીટ માટે ૨ ટકાની ચૂકવણી કરવાની થાય છે. હેમન્ડે એપ્રિલ ૨૦૧૯માં કલાસ-૪ NIC માટે મુખ્ય દર ૯ ટકાથી વધારી ૧૦ ટકા કર્યો છે.

થેરેસા મેએ ચાન્સેલરના પગલાને અટકાવ્યું

ચાન્સેલર ફિલિપ હેમન્ડે નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં બે બિલિયન પાઉન્ડનો વધારો કરતી વિવાદિત દરખાસ્ત મૂક્યા પછી જે વિરોધ થયો તેને નજરમાં રાખી વડા પ્રધાન થેરેસા મેએ તે પગલાને ઓટમ બજેટ સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી છે. પાંચ વર્ષ માટે NI નહિ વધારવાના ચૂંટણી વચનનો ભંગ કરાયાનું જણાવી ટોરી સાંસદોએ આ પગલાનો વિરોધ પણ કર્યો હતો. જોકે, થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ વચનભંગ થયો નથી. ટોરી વ્હીપ્સ દ્વારા વડા પ્રધાનને ચેતવણી અપાઈ હતી કે આ બજેટ દરખાસ્તને કોમન્સમાં પસાર કરાવવા જેટલી સંખ્યા મળશે નહિ.

ભારતીય ડાયાસ્પોરાને અસંતોષ

ચાન્સેલરની NI ફાળામાં વધારાની તેમજ એલાઉન્સમાં ડિવિડન્ડ કાપની દરખાસ્તથી ભારે અસંતોષ વ્યાપ્યો છે. સ્પ્રિંગ બજેટથી સ્વરોજગાર, કોન્ટ્રાક્ટર્સ અને એક વ્યક્તિના બિઝનેસિસને ભારે અસર પહોંચી છે. ગત સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિંવ પાર્ટીને ભારે મત આપનારી એશિયન કોમ્યુનીટીને છેતરાયાની લાગણી થઈ છે. સ્વરોજગાર અને એક વ્યક્તિના બિઝનેસમાં એશિયન કોમ્યુનિટીનું પ્રમાણ નોંધપાત્ર છે. બિઝનેસ માલિકો પાસે નોકરિયાતોના અધિકાર નથી કે તેમના જેવી સલામતી પણ નથી. આથી સરકાર તેમને પૂરતો સપોર્ટ આપતી ન હોવાનું તેમને જણાય છે. જેઓ જોખમ ઉઠાવી બિઝનેસ સ્ટાર્ટ કરે છે તેમને સરકાર દંડિત કરતી હોવાનું તેઓ માની રહ્યા છે.

છૂપા ડેથ ટેક્સથી £૧.૫ બિલિયન ઉઘરાવાશે

ચાન્સેલર હેમન્ડે ડેથ ટેક્સમાં ભારે વધારા સાથે ૧.૫ બિલિયન પાઉન્ડ એકત્ર કરવાની દરખાસ્ત કરી છે. શોકાતુર પરિવારોએ હવે ૩૦૦થી ૨૦,૦૦૦ પાઉન્ડ સુધીની નવી ફી ચુકવવાની થશે. અત્યાર સુધી પરિવારો દ્વારા સરકારને ૨૧૫ પાઉન્ડ અને જો સોલિસિટર મારફતે અરજી કરે તો ૧૫૫ પાઉન્ડ ચુકવાતા હતા. મધ્યમવર્ગીય પરિવારોએ હવે ૫૦,૦૦૦ પાઉન્ડના ઓછાં મૂલ્યની એસ્ટેટ માટે પણ ડેથ ટેક્સ ચુકવવો પડશે. સરકાર પ્રોબેટ ફીમાંથી ૨૦૨૨ સુધીમાં ૩૫૦ મિલિયન પાઉન્ડની કમાણી કરશે, જે અત્યારના દરે ૧૧૫ મિલિયન પાઉન્ડનો વધારો સૂચવે છે.

નેશનલ ઈન્સ્યુરન્સમાં ફેરફાર પછી પરિવારોની કમાણી ૧૬ ટકા ઘટશે

ચાન્સેલર હેમન્ડના બજેટમાં નેશનલ ઈન્સ્યુરન્સ ફાળા (NIC)માં ફેરફાર તેમજ અગાઉ યુનિવર્સલ ક્રેડિટમાં મૂકાયેલા કાપ અમલમાં આવે તેના પરિણામે બે બાળક અને વાર્ષિક ૧૦,૦૦૦ પાઉન્ડની કમાણી સાથેના સિંગલ પેરન્ટને વાર્ષિક ૧૬ ટકા કમાણી ગુમાવવી પડે તેવો ઘાટ સર્જાયો છે. લેબર સાંસદ ઓવેન સ્મિથ વતી હાઉસ ઓફ કોમન્સ લાઈબ્રેરી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં આમ જણાવાયું છે. આ જ રીતે, સ્વરોજગાર અને વાર્ષિક ૨૦,૦૦૦ પાઉન્ડની કમાણી ધરાવતા પેરન્ટને નેશનલ ઈન્સ્યુરન્સમાં ફેરફારના અમલ સાથે ૧૨ ટકાથી થોડી વધુ કમાણી ગુમાવવી પડશે. આમ હજારો પરિવારોને કમાણીમાં કાપ સહન કરવાનો થશે.

કોમન્સના સંશોધનમાં યુનિવર્સલ ક્રેડિટ વર્ક એલાવન્સમાં વાર્ષિક ૩ બિલિયન પાઉન્ડના ઘટાડાનો મુદ્દો પણ મુખ્ય છે. આશરે ૮૦૦,૦૦૦થી ૧,૦૦૦,૦૦૦ સેલ્ફ-એમ્પ્લોઈડ લોકો યુનિવર્સલ ક્રેડિટ મેળવતા થવાનો અંદાજ છે. ઓવેન સ્મિથની ગણતરી અનુસાર જો યુનિવર્સલ ક્રેડિટ કાપ પાછો ખેંચાય અને NICમાં ફેરફાર રદ કરવામાં આવે તો વાર્ષિક ૧૦,૦૦૦ પાઉન્ડની કમાણી સાથેના સ્વરોજગારી પરિવારની કમાણી વધીને ૧૬,૪૫૭ પાઉન્ડ થઈ શકે છે. આનાથી વિરુદ્ધ, ૨૦૧૯-૨૦ સુધીમાં NICમાં ફેરફાર સંપૂર્ણ થશે ત્યારે આ કમાણી ઘટીને ૧૩,૮૫૧ પાઉન્ડ થઈ જશે.

હેમન્ડના બજેટના ચાવીરુપ મુદ્દાઓ

• વિકાસઃ યુકેનું અર્થતંત્ર આ વર્ષના ૧.૪ ટકાથી ૨ ટકા સુધી વધશે તેવી OBR ની આગાહી છે. વર્ષ ૨૦૧૭ માટે વિકાસની આગાહી ૧.૪ ટકાથી વધારી ૨ ટકા. ૨૦૧૮ માટે ૧.૮ ટકા, ૨૦૧૯ માટે ૧.૭ ટકા, ૨૦૨૦ માટે ૧.૯ ટકા અને ૨૦૨૧ માટે ૨ ટકા કરવામાં આવી છે.

• ઋણઃ જાહેર ક્ષેત્રના ઋણમાં બિલિયન્સ પાઉન્ડનો કાપ મૂકાશે. જોકે, કરકસર ચાલુ રખાશે. જાહેર ઋણ વર્ષ ૨૦૧૬-૧૭માં ૫૧.૭ બિલિયન પાઉન્ડ, ૨૦૧૭-૧૮માં ૫૮.૩ બિલિયન, ૨૦૧૮-૧૯માં ૪૦.૮ બિલિયન, ૨૦૧૯-૨૦માં ૨૧.૪ બિલિયન અને ૨૦૨૦-૨૧માં ઘટીને ૨૦.૬ બિલિયન પાઉન્ડ રહેશે.

• બિઝનેસ ટેક્સઃ VAT રજિસ્ટ્રેશન મર્યાદાની નીચેના બિઝનેસીસ માટે ત્રિમાસિક રિપોર્ટિંગ દાખલ કરવામાં એક વર્ષ મુલતવી રખાશે, જેનાથી ૨૮૦ મિલિયન પાઉન્ડનો બોજો આવશે. કોર્પોરેશન ટેક્સ ૨૦૨૦ સુધીમાં ઘટીને ૧૭ ટકા થવાની ધારણા છે.

•બિઝનેસ રેટ્સઃ સ્મોલ બિઝનેસીસ માટે કુલ ૪૩૫ મિલિયન પાઉન્ડની રાહતોનું પેકેજ. • નાના બિઝનેસીસને રાહત આપવા કાઉન્સિલોને ૩૦૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ અપાશે. • બિઝનેસ રેટ્સમાં રાહત ગુમાવનારી ફર્મ્સ માટે વાર્ષિક ૧૫૦ પાઉન્ડની મર્યાદામાં વધારો થઈ શકશે • ૯૦ ટકા પબ્સને ૨૦૧૭માં બિઝનેસ રેટ્સમાં ૧,૦૦૦ પાઉન્ડનું ડિસ્કાઉન્ટ અપાશે

• ટેક્સ એવોઈડન્સઃ ૮૨૦ મિલિયન પાઉન્ડના ટેક્સ એવોઈડન્સ પગલાં લેવાશે. ઈયુની બહાર ટેલિફોન રોમિંગ સુવિધા માટે VAT લાગુ કરાશે. દ્વારા અયોગ્ય ઠરાવાયેલી યોજનાઓ સર્જનારા પ્રોફેશનલ્સ માટે નવી ફાઈનાન્સિયલ પેનલ્ટી લાગુ કરાશે.

• નોર્થ વિસ્તારો માટે ૯૦ મિલિયન પાઉન્ડ અને મિડલેન્ડ્સ માટે ૨૩ મિલિયન પાઉન્ડનો ટ્રાન્સપોર્ટ ખર્ચ

• શહેરી વિસ્તારોમાં કન્જેશનનો સામનો કરવા ઈંગ્લિશ કાઉન્સિલો માટે ૬૯૦ મિલિયન પાઉન્ડની નવી સ્પર્ધા

• હોસ્પિટલોને નિભાવ અને રૂપાંતર યોજનાઓના અમલ માટે ૩૨૫ મિલિયન પાઉન્ડનું ભંડોળ અપાશે.

• ઈંગ્લેન્ડમાં હોસ્પિટલોમાં પથારીઓ ખાલી કરાવવામાં મદદ માટે સારવારની પ્રાથમિકતાના નવા પ્રોજેક્ટ્સ માટે વધારાના ૧૦૦ મિલિયન પાઉન્ડ અપાશે.

• કટોકટીગ્રસ્ત સોશિયલ કેર સિસ્ટમમાં આગામી ત્રણ વર્ષમાં ૨ બિલિયન પાઉન્ડનું ભંડોળ અપાશે, જેમાંથી ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧ બિલિયન પાઉન્ડ મળી શકશે.

• નવી પેઢીની ગ્રામર સ્કૂલ્સ સહિત નવી વધુ ૧૧૦ સ્કૂલ ખોલવામાં આવશે. ગ્રામર સ્કૂલ્સમાં હાજરી આપનારા બાળકોને શાળામાં મફત ભોજન ઉપરાંત, મફત સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ અપાશે. આ ઉપરાંત, વર્તમાન સ્કૂલોના સમારકામ માટે આગામી ત્રણ વર્ષમાં ૨૧૬ મિલિયન પાઉન્ડ પણ અપાશે.

• ઊંચુ વેતન ધરાવતા સ્વરોજગારી વર્કરે નેશનલ ઈન્સ્યુરન્સના ફાળામાં પ્રતિ સપ્તાહ સરેરાશ ૬૦ પેન્સ વધુ ચુકવવા પડશે. આ વધારા થકી ૨૦૨૧-૨૨ સુધીમાં એકસ્ટ્રા ૧૪૫ મિલિયન પાઉન્ડ એકત્ર કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter