ચાન્સેલરે મધ્યમવર્ગીય કામદારો પર કોરડો ઝીંક્યો

Thursday 24th November 2016 05:50 EST
 
 

લંડનઃ ચાન્સેલર ફિલિપ હેમન્ડે મિનિ બજેટ- ઓટમ સ્ટેટમેન્ટમાં એક બિલિયન પાઉન્ડ એકત્ર કરવા માટે મધ્યમવર્ગીય નોકરિયાતોને મળતી મોબાઈલ ફોન્સ, કંપની કાર, આરોગ્ય સંભાળ, જીમના સભ્યપદ અને પ્લેસ્ટેશન્સ સહિતની નાણાકીય સુવિધાઓને આગામી એપ્રિલથી ટેક્સના દાયરામાં લઈ લેતા મોટો આંચકો આપ્યો છે. જોકે, હેમન્ડે એપ્રિલ મહિનાથી ૨૫ વર્ષથી વધુ વયના માટે નેશનલ લિવિંગ વેજ પ્રતિ કલાક ૭.૨૦ પાઉન્ડથી વધારી ૭.૫૦ પાઉન્ડ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે સતત સાતમા વર્ષે ફ્યુલ ડ્યુટી સ્થગિત રાખી પેટ્રોલની વધતી કિંમતો પર અંકુશ રાખવા પ્રયાસ કર્યો છે. આ પગલાંથી લોકોને ૮૫૦ મિલિયનની રાહત મળશે. હેમન્ડે યુએસ અને જર્મનીની સરખામણીએ યુકેની ઉત્પાદકતા ૩૦ ટકા ઓછી હોવાનું જણાવ્યું હતું અને આ માટે ૨૩ બિલિયન પાઉન્ડના નવા ફંડની જાહેરાત કરી હતી.

તેમણે ગ્રામર સ્કૂલ્સને વિસ્તરણ માટે આગામી ચાર વર્ષ સુધી દર વર્ષે વધારાના ૫૦ મિલિયન પાઉન્ડ આપવા તેમજ માર્ગ સુધારણા માટે ૧.૩ બિલિયન પાઉન્ડ ખર્ચવાની પણ જાહેરાત કરી છે. ચાન્સેલરે મહત્ત્વની જાહેરાતમાં ૨૦૧૭થી ઓટમ સ્ટેટમેન્ટને મુખ્ય બજેટ બનાવવાની જાહેરાત કરી છે. હવે, દેશમાં સ્પ્રિંગ બજેટમાં અર્થતંત્રના હાલ વિશે માહિતી અપાશે અને તેમાં ટેક્સીસ અને ખર્ચા વિશે ખાસ નિર્ણયો નહિ હોય.

મિડલ ક્લાસના પર્ક્સ હવે ટેક્સને પાત્ર

મિડલ ક્લાસ વર્કર્સને મોબાઈલ ફોન્સ, કંપની કાર, આરોગ્ય સંભાળ, જીમના સભ્યપદ અને પ્લેસ્ટેશન્સ સહિતની નાણાકીય સુવિધાઓ થકી જે લાભ મળતો હતો તેને ટેક્સેબલ બનાવી ચાન્સેલરે કોરડો વીંઝ્યો છે. તેઓ આમાંથી એક બિલિયન પાઉન્ડ મેળવવા ધારે છે. જે કર્મચારી આવી સુવિધાના બદલે પગારનો થોડો હિસ્સો જતો કરવા તૈયાર હતા તેઓ આગામી વર્ષથી દંડિત થશે. આ પગલાંનો અર્થ એ છે કે આવી સવલતો મેળવતા રહેવું હશે તો તેમણે ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સમાં સેંકડો પાઉન્ડ વધુ ચુકવવા પડશે. બીજી તરફ, કંપનીઓને પણ આવી સવલતો ઓફર કરવાનું પરવડશે નહિ તેથી આ લાભ રદ થઈ જશે. ટીકાકારોએ જણાવ્યું હતું કે ઓછો પગાર ધરાવતા લાખો વર્કર્સ બે છેડાં મેળવવા માટે આ સવલતો પર આધાર રાખતા હતા તેઓ મુશ્કેલીમાં આવી જશે.

સાતમા વર્ષે પણ ફ્યુલ ડ્યુટી ફ્રીઝ

પમ્પ્સ પર વધતાં ભાવ પર અંકુશ રાખવા સતત સાતમા વર્ષે પણ ફ્યુલ ડ્યુટીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ચાન્સેલરે જણાવ્યું હતું કે આ પગલાથી લોખો મહેનતુ લોકોને ફાયદો થશે અને આગામી વર્ષે ૮૫૦ મિલિયન પાઉન્ડની કરરાહત ગણાશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે માર્ચ ૨૦૧૧માં ફ્યુલ ડ્યુટી ૫૭.૯૫ પેન્સના દરે ફ્રીઝ કરાયા પછી કાર ડ્રાવરને વાર્ષિક ૧૩૦ પાઉન્ડ અને વાન ડ્રાઈવરને વાર્ષિક ૩૫૦ પાઉન્ડની બચત થઈ છે. મોટરિસ્ટ કેમ્પેઈનર્સે નિરાશા દર્શાવતા જણાવ્યું છે કે ચાન્સેલરે ફ્યુલ ડ્યુટીમાં કાપ જાહેર કરવો જોઈતો હતો. ડ્યુટી સ્થગિત રાખવાથી જે બચત થશે તે ઈન્સ્યુરન્સ પ્રીમિયમ ટેક્સ વધવાથી ધોવાઈ જશે. જોકે, આ પગલાથી ટ્રેઝરીને આગામી પાંચ વર્ષમાં ૪.૩ બિલિયન પાઉન્ડથી વધુ બોજો સહન કરવાનો આવશે.

હવેથી મુખ્ય બજેટ ઓટમમાં રજૂ કરાશે

ટેક્સ યરના અંત પહેલા ફેરફારોના અમલ માટે વધુ સમય મળી રહે તે માટે બે દાયકામાં સૌપ્રથમ વખત બજેટ ઓટમમાં રજૂ કરાશે. આશ્ચર્યકારી પગલામાં ફિલિપ હેમન્ડે જાહેર કર્યું હતું કે વાર્ષિક અર્થતંત્ર સંબંધિત ઓટમ સ્ટેટમેન્ટ પડતું મુકાશે અને આગામી વર્ષથી બજેટ ઓટમમાં રજૂ કરાશે. ચાન્સેલર સ્પ્રિંગમાં ઈકોનોમીના હાલ વિશે અપડેટ આપવાનું ચાલુ રાકસે. જોકે, ટ્રેઝરીના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્પ્રિંગ બજેટ ટેક્સીસ અને ખર્ચવિષયક નિર્ણયોને સાંકળતી મહત્ત્વની ઘટનાના બદલે ચીલાચાલુ બાબત જ બની રહેશે. હેમન્ડે જણાવ્યું હતું કે ૨૦૧૭માં સ્પ્રિંગ બજેટ અને ઓટમ બજેટ જોવા મળશે, જે વ્યાપક સ્થિરતા-ચોકસાઈ આપશે.

જેલમાં હિંસા અને ડ્રગ્સના સામના માટે વધુ £૫૦૦ મિલિયન

દેશની જેલોમાં હિંસા અને ડ્રગ્સની નશાખોરીનું પ્રમાણ વધી જતા તેના સામના સામે વધુ ૫૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસને કરવામાં આવશે. પ્રિઝન અધિકારીઓની ઘટતી સંખ્યાની ફરિયાદોના પગલે ૨,૫૦૦ વધુ ફ્રન્ટલાઈન પ્રિઝન અધિકારીઓ માટે વાર્ષિક ૧૦૪ મિલિયન પાઉન્ડનું ભંડોળ ઉભુ કરાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સની ભરચક જેલોમાં હિંસા, ડ્રગ એબ્યુઝ અને રમખાણો, કૌભાંડો, નબળી સુરક્ષાની ઘટનાઓ મોટા પાયે બહાર આવી છે. ખાસ નોંધવાનું કે ઓસ્બોર્નના માર્ચ બજેટમાં મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસને પાંચ વર્ષમાં ૧૫ ટકાના બજેટ કાપની ફરજ પડાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter