ચાન્સેલરનો સ્પેન્ડિંગ પ્લાન રજૂઃ એનએચએસ અને ડિફેન્સને સૌથી વધુ ફાળવણી

મારી યોજનાઓના હાર્દમાં બ્રિટનની કાયાપલટનું સ્વપ્નઃ ચાન્સેલર રીવ્ઝ

Tuesday 17th June 2025 12:20 EDT
 

લંડનઃ ચાન્સેલર રેચલ રીવ્ઝે 11 જૂન બુધવારના રોજ સરકારના દાયકાના અંત સુધીના ખર્ચની યોજના જાહેર કરી હતી જેમાં એનએચએસ ઇંગ્લેન્ડ માટે પ્રતિ વર્ષ વધારાના 29 બિલિયન પાઉન્ડ ખર્ચવાની જાહેરાત કરાઇ હતી. ચાન્સેલરે ડિફેન્સ અને હાઉસિંગ સેક્ટર માટે પણ વધારાના ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટો માટે પણ વધુ ભંડોળનું વચન આપતાં જણાવ્યું હતું કે, મારી યોજનાઓના હાર્દમાં બ્રિટનની કાયાપલટ રહેલી છે.

જોકે ચાન્સેલર દ્વારા રજૂ કરાયેલા સ્પેન્ડિંગ રીવ્યૂમાં કેટલાક વિભાગોના રોજિંદા ખર્ચ પર કાતર પણ ફેરવાઇ છે. જેમાં ફોરેન ઓફિસ અને એન્વાયરમેન્ટ જેવા વિભાગોનો સમાવેશ થાય છે. રીવ્ઝે જણાવ્યું હતું કે, ખર્ચની આ સમીક્ષા સુરક્ષા અને આર્થિક વૃદ્ધિની દિશામાં લઇ જશે અને એનએચએસને ભવિષ્ય માટે મજબૂત બનાવશે.

જોકે કન્ઝર્વેટિવ શેડો ચાન્સેલર સર મેલ સ્ટ્રાઇડે કહ્યું હતું કે, રીવ્ઝની આ યોજના હાલમાં ખર્ચ કરો અને પાછળથી કરવેરા લાદોની યોજના છે. ચાન્સેલરે ઓટમ બજેટ પહેલાં સમરમાં કલ્પનાના ઘોડા દોડાવ્યા છે. ઓટમ બજેટમાં કરવેરામાં વધારો કરાશે.

હાઉસ ઓફ કોમન્સમાં ચાન્સેલરની જાહેરાત પહેલાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આજે આ સરકારના પ્રથમ તબક્કાનો અંત આવ્યો છે. હવે આપણે બીજા તબક્કામાં જઇ રહ્યાં છીએ જેમાં વર્કિંગ પીપલ માટે મહત્વના બદલાવ આવશે.

ચાન્સેલર રીવ્ઝનો સ્પેન્ડિંગ રીવ્યૂ

આરોગ્ય

-          આગામી 3 વર્ષમાં એનએચએસ ઇંગ્લેન્ડના ડે ટુ ડે બજેટમાં 3 ટકા સુધીનો વધારો, 2029માં બજેટ 226 બિલિયન પાઉન્ડ પર પહોંચશે

-          આગામી 3 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ બજેટમાં વધારો કરાશે

-          એનએચએસ એપમાં સુધારા અને સિંગલ પેશન્ટ રેકોર્ડ આપવા સહિતની નવી ટેકનોલોજી પાછળનો ખર્ચ 2029 સુધીમાં વધારીને 10 બિલિયન પાઉન્ડ કરાશે

એજ્યુકેશન

-          ઇંગ્લેન્ડમાં કોર સ્કૂલ બજેટમાં 0.4 ટકા સુધીનો વધારો, 2029 સુધીમાં 69.5 બિલિયન પાઉન્ડ પર પહોંચશે

-          સપ્ટેમ્બર 2026 સુધીમાં વધુ 5 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભોજનની યોજનામાં સામેલ કરાશે, પ્રતિ વર્ષ ખર્ચ 490 મિલિયન પાઉન્ડ પર પહોંચશે

ક્રાઇમ, જસ્ટિસ અને બોર્ડર

-          હોમ ઓફિસના ડે ટુ ડે બજેટમાં આગામી 3 વર્ષમાં 1.7 ટકાનો વધારો કરાશે

-          રાજ્યાશ્રયવાંચ્છુઓ માટેની હોટલોના ખર્ચમાં ઘટાડો કરાશે અને આગામી ચૂંટણી સુધીમાં હોટલોનો ઉપયોગ બંધ કરાશે

-          પોલીસ માટેના બજેટમાં 1.7 ટકાનો વધારો થશે, કાઉન્સિલ ટેક્સમાં વધારો કરીને આ બજેટમાં વધારો કરાશે

-          જસ્ટિસ મિનિસ્ટ્રીના બજેટમા પ્રતિ વર્ષ 1.8 ટકાનો વધારો થશે, ઇન્વેસ્ટમેન્ટ બજેટ 2.1 ટકા સુધી વધશે

સંરક્ષણ

-          ડિફેન્સ મિનિસ્ટ્રીના ડે ટુ ડે બજેટમાં 0.7 ટકાનો વધારો, ઇન્વેસ્ટમેન્ટ સ્પેન્ડિંગમાં વાર્ષિક સરેરાશ 7.3 ટકાનો જંગી વધારો

-          2027 સુધીમાં સરકાર સંરક્ષણ ખર્ચ 2.3 ટકાથી વધારીને 2.5 ટકા પર લઇ જશે

હાઉસિંગ અને લોકલ ગવર્નમેન્ટ

-          હાઉસિંગ મિનિસ્ટ્રી અને લોકલ ગવર્મેન્ટના ડે ટુ ડે બજેટમાં 1.4 ટકાનો ઘટાડો

-          કાઉન્સિલો દ્વારા કાઉન્સિલ ટેક્સમાં વધારો કરાશે તો તેમના સ્પેન્ડિંગ પાવરમાં પણ વધારો થશે

-          2026થી 2036 વચ્ચે ઇંગ્લેન્ડમાં સોશિયલ હાઉસિંગ માટે 39 બિલિયન પાઉન્ડની ફાળવણી, એટલે કે હાલના પ્રતિ વર્ષ 2.3 બિલિયન પાઉન્ડથી વધીને સરેરાશ 3.9 બિલિયન પાઉન્ડ થશે

ટ્રાન્સપોર્ટ અને એન્વાયરમેન્ટ

-          ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ડે ટુ ડે બજેટમાં 5 ટકાનો કાપ, પ્રાઇવેટ ટ્રેન કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરીને બચત કરાશે

-          લંડન સિવાયના ઇંગ્લેન્ડના શહેરોમાં ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટો માટે 2027થી 2031 વચ્ચે 15.6 બિલિયન પાઉન્ડની ફાળવણી

-          ઇંગ્લેન્ડમાં સિંગલ બસ ભાડા પરની 3 પાઉન્ડની મર્યાદા માર્ચ 2027 સુધી લંબાવાઇ

-          એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટના ડે ટુડે બજેટમાં 2.7 ટકાનો કાપ

એનર્જી

-          એનર્જી સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના બજેટમાં રોજિંદા ખર્ચમાં 0.5 ટકાનો વધારો, 2.6 ટકાનું ઇન્વેસ્ટમેન્ટ કરાશે

-          સાઇઝવેલ સી ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણ માટે વધારાના 11.5 બિલિયન પાઉન્ડની ફાળવણી

આંતરરાષ્ટ્રીય બાબતો

-          ફોરેન ઓફિસના ડે ટુ ડે બજેટમાં આગામી 3 વર્ષમાં 6.8 ટકાનો ઘટાડો, મુખ્યત્વે વિદેશોને અપાતી સહાયમાં કાપ મૂકાશે

-          2027 સુધીમાં રાષ્ટ્રીય આવકના ફક્ત 0.3 ટકા જ વિદેશી સહાય માટે ખર્ચ કરાશે

સાયન્સ અને ટેકનોલોજી

-          ડિપાર્ટમેન્ટ ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજીના ડે ટુ ડે બજેટમાં સરેરાશ 7.4 ટકા સુધીનો વધારો કરાશે

-          આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેના સરકારના એક્શન પ્લાન માટે આગામી 3 વર્ષમાં 2 બિલિયન પાઉન્ડની ફાળવણી

-          એડિનબરો યુનિવર્સિટી ખાતે નવા સુપર કોમ્પ્યુટર માટે 750 મિલિયન પાઉન્ડ અપાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter