લંડન
ઓટોમન સ્ટેટમેન્ટમાં ચાન્સેલર દ્વારા લદાયેલા કરવેરા સામે ટોરી સાંસદોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. તેઓ જેરેમી હન્ટ દ્વારા શરૂ કરાયેલા ઊંચા કરવેરાના યુગની આકરી ટીકા કરી રહ્યાં છે. ટોરી સાંસદોએ હન્ટની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, ચાન્સેલરે બ્રિટનની જનતા પર 25 બિલિયન પાઉન્ડના નવા કરવેરાનો બોજો લાદી દીધો છે. જેના કારણે બ્રિટનમાં કરવેરાનો બોજો જીડીપીના 37.1 ટકા પર પહોંચી ગયો છે જે બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી ઊંચી સપાટી પર છે.
પૂર્વ વેલ્શ સેક્રેટરી ડેવિડ જોન્સે જણાવ્યું હતું કે, ઊંચા કરવેરાના કારણે આગામી સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વિજયની સંભાવનાઓ નહીંવત રહી ગઇ છે. ટોરી સાંસદ રિચર્ડ ડ્રેક્સે જણાવ્યું હતું કે, કરવેરામાં વધારો વિકાસ અને ઉત્પાદકતા ખોરવવાનું જોખમ સર્જે છે. પૂર્વ બિઝનેસ સેક્રેટરી જેકબ રીસ મોગે જણાવ્યું હતું કે, જેરેમી હન્ટે કરવેરામાં વધારો કરવાનો સરળ વિકલ્પ અપનાવ્યો છે.
મિની બજેટ ટોરીઝની 12 વર્ષની આર્થિક નિષ્ફળતાનું પ્રતિક – લેબર પાર્ટી
ચાન્સેલર જેરેમી હન્ટના મિની બજેટ પર આકરા પ્રહાર કરતા વિપક્ષ લેબર પાર્ટીના શેડો ચાન્સેલર રાચેલ રીવ્ઝે જણાવ્યું હતું કે, સરકારનું મિની બજેટ કન્ઝર્વેટિવ પાર્ટીની 12 વર્ષની આર્થિક નિષ્ફળતા દર્શાવે છે. રિશી સુનાકની સરકાર વધી રહેલા ફુગાવા, વિકાસમાં ઘટાડા અને જીવનધોરણોમાં ઘટાડાના બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસના વારસાને આગળ ધપાવી રહી છે. ટોરી સરકારોની એક પછી એક નિષ્ફળતાઓને કારણે બ્રિટન વૈશ્વિક પડકારોની સામે ઉઘાડો પડી ગયો છે.
રીવ્ઝે જણાવ્યું હતું કે, એ વાતમાં કોઇ શંકા નથી કે કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધે વિપરિત અસરો કરી છે પરંતુ બ્રિટનની સમસ્યાઓનો પ્રારંભ તો કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધ શરૂ થયાં તે પહેલાં જ થઇ ગયો હતો. બે મહિના પહેલાં કોઇ સરકારી ખર્ચમાં કાપ મૂકવાની વાત કરતું નહોતું. વિશ્વના અન્ય કોઇ વિકસિત દેશમાં મંદીની અસરો હોવા છતાં સરકારી ખર્ચમાં કાપ મૂકાયો નથી કે કરવેરામાં વધારો કરાયો નથી. રીવ્ઝે આરોપ મૂક્યો હતો કે ટોરીઝ જનતાને મૂર્ખ બનાવી રહ્યાં છે.


