લંડનઃ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે ચામડીના રંગના આધારે બ્રિટિશ ઓળખ નક્કી કરવાની માનસિકતા પર આકરા પ્રહારો કર્યા છે. સુનાકે ચામડીના રંગને રાષ્ટ્રીયતા સાથે જોડવા સામે ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ઇંગ્લેન્ડમાં જન્મેલા અને ઉછરેલા નાગરિકો જો અશ્વેત હોય તો તેમની ઇંગ્લિશ કે બ્રિટિશ ઓળખ પર સવાલો ન ઉઠાવવા જોઈએ.
સુનાકના જણાવ્યા અનુસાર બ્રિટને બહુધર્મી અને બહુસાંસ્કૃતિક લોકશાહીનું નિર્માણ કર્યું છે પરંતુ આ સિદ્ધિ હાલ તણાવ હેઠળ છે. તેમણે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ઇસ્લામવાદને મોટા પડકારો ગણાવ્યા હતા, જ્યારે રાષ્ટ્રીયતાને નસ્લ અથવા વર્ણ સાથે જોડવાની વધતી જતી માનસિકતા સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, પોતે બ્રાઉન હિન્દુ હોવાથી કેટલાક લોકો દ્વારા તેમની ઇંગ્લિશ ઓળખ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સુનાકે આ વલણને રિવર્સ ટેબિટ ટેસ્ટ ગણાવ્યું હતું જેમાં વ્યક્તિનું દેશ પ્રત્યેનું સમર્થન નહીં પણ તેની ત્વચાનો રંગ જ તેની રાષ્ટ્રીયતા નક્કી કરવાનો આધાર બની જાય છે.
સુનાકે દલીલ કરી હતી કે, ઇમિગ્રેશન અંગેની ચિંતાઓ અને બ્રિટિશ ઓળખને વર્ણ આધારિત બનાવવાનો વિરોધ, આ બંને બાબતો એકસાથે શક્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ કાનૂની ઇમિગ્રેશન માટે સખત ધોરણોના પક્ષધર રહ્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન શરણાર્થીઓને રવાન્ડા મોકલવાની નીતિ પર પણ કામ કર્યું હતું. ઇમિગ્રેશનમાં ઘટાડો કરવો અને કડક અભિગમ અપનાવવો સંપૂર્ણપણે વાજબી છે પરંતુ તેમ છતાં બ્રિટિશતાને ડીએનએ ટેસ્ટમાં બદલવાના પ્રયાસને સખત રીતે ફગાવી દેવો જોઈએ. જો તમારો જન્મ અને ઉછેર ઇંગ્લેન્ડમાં થયો હોય અને તમે તેને જ તમારું ઘર માનતા હોવ તો તમે ઇંગ્લિશ સિવાય બીજું શું હોઈ શકો?


