ચાર તબક્કામાં પહોંચેલા ભારતીય ઇમિગ્રન્ટ્સનો બ્રિટનમાં દબદબો

બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ તબક્કામાં ભારતીય શ્રમિકો, ઇદી અમીનના અત્યાચારોને પગલે બીજા તબક્કામાં ઇસ્ટ આફ્રિકાના ભારતીય બિઝનેસમેન, ત્રીજા તબક્કામાં નોલેજ બેઝ્ડ ઇમિગ્રન્ટ્સ અને ચોથા તબક્કામાં સ્કીલ્ડ ભારતીયો બ્રિટન પહોંચ્યા

Tuesday 10th February 2026 09:17 EST
 
 

લંડનઃ બ્રિટનમાં ભારતીય માઇગ્રેશનના ચાર તબક્કા આવ્યા અને તેમાં બ્રિટન પહોંચેલા ભારતીયોએ છેલ્લા 70 વર્ષમાં અનેરું યોગદાન આપ્યું છે. પ્રથમ તબક્કામાં બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટનમાં શ્રમિકોની અછત સર્જાઇ ત્યારે ભારતીયો માઇગ્રેશન કરીને બ્રિટન આવ્યાં હતાં. મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સપોર્ટેશન અ પબ્લિક સર્વિસમાં ભારતીય માઇગ્રન્ટ્સે ભજવેલી ભુમિકાના કારણે બ્રિટનની પોસ્ટ વોર ઇકોનોમી મજબૂત બની હતી. એનએચએસ જેવા સંસ્થાનોના પ્રારંભિક વિકાસમાં પણ ભારતીયોનું મોટું યોગદાન રહ્યું હતું.

ભારતીયોના માઇગ્રેશનનો બીજો તબક્કો 1970ના દાયકામાં આવ્યો. આ સમયે યુગાન્ડામાં ઇદી અમીનના અત્યાચારોના કારણે મોટી સંખ્યામાં ભારતીયો બ્રિટન પહોંચ્યા હતા. તેમની પાસે બિઝનેસ અને ઉદ્યોગોનો બહોળો અનુભવ હતો. તેમણે બ્રિટનમાં સફળ કંપનીઓ અને બિઝનેસોની સ્થાપના કરી અને સ્થાનિક અર્થતંત્રોને મજબૂતાઇ બક્ષી. ઇસ્ટ આફ્રિકાથી આવેલા ભારતીયોએ ટાઉનો અને શહેરોમાં મજબૂત બિઝનેસ કલ્ચર સ્થાપિત કર્યું હતું.

ત્રીજા તબક્કામાં માઇગ્રેશનનો ચહેરો બદલાયો હતો. હવે નોલેજ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીમાં માઇગ્રેશન શરૂ થયું હતું. આ સમયગાળામાં ફાઇનાન્સ, હેલ્થકેર, એન્જિનિયરિંગ, એજ્યુકેશન અને અન્ય સ્પેશિયલાઇઝ્ડ સેક્ટરોમાં ઉચ્ચ કુશળતા ધરાવતા ભારતીય પ્રોફેશનલ્સ બ્રિટન પહોંચ્યા હતા. આ તબક્કામાં ભારતીય સમુદાય બ્લૂ કોલરમાંથી લીડરશિપની પોઝિશનમાં આવી ગયો હતો.

પોસ્ટ બ્રેક્ઝિટ ભારતીયોના માઇગ્રેશનનો ચોથો તબક્કો શરૂ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન પહોંચ્યા અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો હાંસલ કરીને બ્રિટનના હેલ્થકેર, સોશિયલ કેર અને ટેકનોલોજી સેક્ટરમાં પ્રવર્તતી અછત ભરપાઇ કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. હાલ બ્રિટનના ટેકનોલોજી વર્કફોર્સમાં 15 ટકા ભારતીય પ્રોફેશનલ્સ કામ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter