લંડનઃ એમ કહેવાય છે કે સોમંવારે નોકરીધંધા પર લાગવાનો કંટાળો આવે છે અને વીકેન્ડનો સમય ઓછો પડે છે. કામકાજનું સપ્તાહ કેટલું લાંબુ હોવું જોઈએ તેના વિશે વર્ષોથી દલીલો ચાલતી રહી છે. કોરોના મહામારીમાં લોકોએ ઘેર રહીને કામકાજ (WFH)નો મોટા પાયે અનુભવ કર્યો હતો. હવે કેટલીક કંપનીઓ પાંચ દિવસના કામકાજના સ્ટાન્ડર્ડ સપ્તાહના બદલે ચાર દિવસના સપ્તાહનો પ્રયોગ કરી રહી છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બોસ્ટન કોલેજ તેમજ થિન્કટેન્ક ઓટોનોમી અને ૪ ડે વીક ગ્લોબલ સંસ્થાઓ દ્વારા સંશોધનના ભાગરુપે ચાર દિવસના સપ્તાહનો પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રયોગ કેવી રીતે કામ કરશે તેમજ તેના પરિણામે સ્ટાફની અછત, કર્મચારીઓ પર વધારાનું દબાણ સહિતના ઘણા પ્રશ્નો હોવાં છતાં, યુકે, યુએસ, કેનેડા, ન્યૂ ઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં ઘણી કંપનીઓ આ પ્રોજેક્ટમાં સામેલ થઈ છે.
ચાર દિવસનું સપ્તાહ કેવી રીતે કામ કરશે?
છ મહિના સુધી ચાલનારા આ પ્રોજેક્ટમાં યુકેની ૬ કંપની ભાગ લઈ રહી છે અને વધુ ૩૦ બ્રિટિશ કંપની જોડાવાની શક્યતા છે. એવી આશા રખાય છે કે ચાર દિવસના સપ્તાહથી વર્કરની ઉત્પાદકતા વધશે, તેને પોતાને સમયનો લાભ મળશે તેમજ તેમના બિઝનેસને પણ તેમની પાસેથી ક્વોલિટી સમય મળશે.
4 Day Week Globalના પાઈલોટ પ્રોગ્રામ મેનેજર જો ઓ’ કોન્નોરે કહ્યું હતું કે ટુંકુ કામકાજી સપ્તાહ સફળ નીવડશે અને વધુ કંપનીઓમાં તેમાં ભાગ લેવાનું પ્રોત્સાહન આપશે તેવી આશા સેવાય છે. ચાર દિવસના સપ્તાહથી કામના વર્તમાન મોડેલને પડકાર મળશે અને કંપનીઓ લોકો કેટલો સમય કામ કરે છે તેના પરથી ધ્યાન હટાવી કેટલું આઉટપુટ મળે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કોઈ વ્યક્તિ ગમે તેટલો સમય કામ કરતો હોય પરંતુ, લેન્ડલોર્ડ દ્વારા વસૂલાતા ભાડાં, સુપરમાર્કેટ્સ અને પબ્સમાં ફૂડ અને પિન્ટની કિંમતમાં કોઈ ફરક પડતો નથીય આ રીતે ચાર દિવસના સપ્તાહમાં પગારકાપ હોય તો વર્કરને પ્રોજેક્ટમાં કામ કરવા જોડાવામાં કોઈ રસ રહેશે નહિ. આથી આ પ્રોજેક્ટમાં વર્કર્સને ઉત્પાદકતા ખરેખર વધશે તેવી આશા સાથે એક જ મૂળ પગારમાં ઓછો સમય કામ કરવાનું રહે છે. તેમને કામ આપતા બિઝનેસીસને વધેલી ઉત્પાદકતાથી લાભ મળશે અને વર્કર તેનો મૂલ્યવાન સમય પરિવાર સહિત અન્યો સાથે વીતાવી શકશે.


