લંડનઃ ચેરિટી કમિશને સતત ચાર વર્ષ સુધી પોતાના હિસાબો રજૂ કરવામાં નિષ્ફળ રહેલી ચેરિટીઝ ડડલી સેન્ટ્રલ મોસ્ક અને મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર સામે વૈધાનિક ઈન્ક્વાયરી શરૂ કરી છે. આ ચેરિટીએ છેલ્લે 31 માર્ચ 2017ના પૂરા થયેલા નાણાકીય વર્ષ માચે હિસાબો ફાઈલ કર્યા હતા.
રેગ્યુલેટર ચેરિટી કમિશને જણાવ્યું હતું કે કમિશન દ્વારા માર્ગદર્શનના પ્રયાસો છતાં ચેરિટી ખાતે વહીવટી સમસ્યાઓ રહેલી છે જે આ નિષ્ફળતાના કારણરૂપ છે. આ ચેરિટી માર્ચમાં કમિશન દ્વારા ‘ડબલ ફોલ્ટર્સ’ ક્લાસ ઈન્ક્વાયરીનો હિસ્સો રહી હતી. ડડલી સેન્ટ્રલ મોસ્ક સામે ગત ચાર વર્ષમાં ત્રણ રેગ્યુલેટરી અમલના કેસીસ થયા હતા જેમાં તેનું પ્રતિનિધિત્વ કરતા બે જૂથો વચ્ચે વિવાદની તપાસ થઈ હતી. કમિશને સત્તાવાર ટ્રસ્ટીઓની સ્થાપના માટે કાનૂની માર્ગદર્શન મેળવવા ચેરિટીને સત્તાવાર સલાહ આપી હતી.

