લંડનઃ કેદીઓ માટે ટ્રાન્સફર સમજૂતી અમલી બન્યા બાદ યુકેની જેલોમાંથી દર મહિને બે કરતા પણ ઓછા ઈયુ કેદીને દેશનિકાલ કરાય છે. ઈયુ ગુનેગારોથી જેલો ભરાઈ જવાની સમસ્યાના ઉકેલ માટે હસ્તક્ષેપની ડેવિડ કેમરનની પ્રતિજ્ઞા છતાં છેલ્લા ચાર વર્ષમાં માત્ર ૭૩ કેદીને જ તેમના દેશ પરત મોકલાયા છે. દેશની જેલોમાં હાલ ૪,૧૭૧ ઈયુ ગુનેગાર છે, તેમની પાછળ દર વર્ષે ટેક્સપેયર્સના ૧૬૯ મિલિયન પાઉન્ડનો ખર્ચ થાય છે.
પ્રિઝનર ટ્રાન્સફર એગ્રીમેન્ટ મુજબ યુકેની કોર્ટ દ્વારા જેલની સજાપ્રાપ્ત ઈયુ નાગરિકને બ્રિટને ફરજીયાત દેશનિકાલ કરવાનો હોય છે, જેથી કેદીઓ ખુદના જ દેશમાં સજા ભોગવે અને યુકેના કરદાતા પર કોઈ બોજ પડે નહિ. જોકે, હજુ આ વર્ષે જ ઈયુના તમામ ૨૮ દેશોએ તેને બહાલી આપી છે. પરિણામે, આ સમજૂતી હેઠળ દર ત્રણ અઠવાડિયે લગભગ એક ઈયુ ગુનેગારને જ પરત મોકલી શકાય છે.
મુખ્યત્વે, બ્રિટન અને અન્ય દેશો વચ્ચેની દ્વિપક્ષી સમજૂતીને કારણે ૨૦૦૭થી અત્યાર સુધીમાં માત્ર ૪૦૨ ઈયુ કેદીને સ્વદેશ પરત મોકલાયા છે. ગયા વર્ષે ૩,૩૧૦ ઈયુ ગુનેગારને સજા પૂરી થયા પછી દેશનિકાલ કરાયા હતા, જે સંખ્યા ૨૦૧૦માં ૯૩૩ હતી.


