લંડનઃ એક અભ્યાસના તારણો અનુસાર દિવસમાં ઓછામાં ઓછાં ૨૦ મિનિટ સુધી ચાલવાથી અથવા સાઈકલિંગ કરવાથી 60 વર્ષની વ્યક્તિને હાર્ટએટેકના જોખમમાં ૨૦ ટકાનો ઘટાડો થાય છે. દોડવા સહિતની અતિ ભારે શારીરિક કસરત કરતા પણ ચાલવા અથવા સાઈકલિંગ શરીરને વધુ લાભકારી સુરક્ષા બક્ષે છે.
સંશોધકોએ ૧૯૯૮થી ૨૦૧૨ના સમયગાળામાં ૩૩,૦૦૦ સ્વીડિશ પુરુષોનું મોનિટરિંગ કર્યું હતું. તેમાં જણાયું હતું કે શારીરિક રીતે ઓછાં સક્રિય પુરુષો હૃદયરોગનું વધુ જોખમ ધરાવતા હતા. સમગ્ર શરીરને લોહી પહોંચાડવાનું પમ્પિંગ કરવા માટે હૃદયમાં ભારે નિર્બળતા આવે ત્યારે હૃદયરોગના હુમલા થાય છે. એનાલીસિસમાં જણાવાયું હતું કે ૬૦ વર્ષના લોકો માટે દરરોજ ૨૦ મિનિટ ચાલવા કે સાઈકલિંગની કસરત વધુ સારી શારીરિક પ્રવૃત્તિ પુરવાર થઈ હતી. આ પ્રવૃત્તિ હૃદયને કાર્યક્ષમ રાખવા અને જોખમના ઘટાડા સાથે સંકળાયેલી છે. દોડવા અથવા અન્ય થકવી દેનારી શારીરિક કસરતોની સરખામણીએ ચાલવા કે સાઈકલિંગની કસરત વધુ સુરક્ષા આપે છે.