લંડનઃ ચીન બ્રિટનમાં બનાવટી ટપાલ ટિકિટો ઠાલવીને આર્થિક યુદ્ધ શરૂ કરી રહ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક તપાસમાં બહાર આવ્યું છે કે ચાર ચીની સપ્લાયર એક સપ્તાહમાં 10 મિલિયન જેટલી રોયલ મેઇલની બનાવટી ટપાલ ટિકિટો પ્રિન્ટ કરી આપવાની ઓફર આપી રહ્યાં છે. આ બનાવટી ટિકિટો રિટેલર્સને 4 પેન્સમાં અપાય છે અને થોડા દિવસમાં બ્રિટનમાં ડિલિવરી આપવાની ખાતરી અપાય છે. આ બનાવટી ટિકિટો એમેઝોન અને ઇ-બે જેવી વેબસાઇટ પર પણ મળી જાય છે.
રોયલ મેઇલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનથી આવતી બનાવટી ટપાલ ટિકિટોના કારણે ગ્રાહકોની ફરિયાદોમાં મોટો વધારો થયો છે કારણ કે બનાવટી ટિકિટના કારણે તેમને પાંચ પાઉન્ડની પેનલ્ટી ચૂકવવી પડે છે. નાના રિટેલર્સ રોયલ મેઇલ સિવાયના વૈકલ્પિક સપ્લાયરો પાસેથી મોટા પ્રમાણમાં બનાવટી ટિકિટોની ખરીદી કરી રહ્યાં છે.
રાજકીય નેતાઓ અને સુરક્ષા નિષ્ણાતોએ ચીનમાંથી થઇ રહેલા આ કૃત્યને આર્થિક યુદ્ધ ગણાવીને તેને બનાવટી ચલણી નોટો છાપવા સમાન ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, બનાવટી ટપાલ ટિકિટોના આ રેકેટને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું સમર્થન હાંસલ છે.
પોસ્ટ ઓફિસ મિનિસ્ટર કેવિન હોલિનરેકે જણાવ્યું હતું કે, બનાવટી ટપાલ ટિકિટો દુકાનોમાં કેવી રીતે વેચાઇ રહી છે તેની તપાસ રોયલ મેઇલ દ્વારા કરાશે.
પોસ્ટ માસ્ટરોનો આરોપ છે કે કથિત બનાવટી ટપાલ ટિકિટો રોયલ મેઇલમાંથી જ આવી રહી છે. તેના કારણે તેમને ખોટી રીતે બનાવટી ટપાલ ટિકિટો કહેવામાં આવી રહી છે તેવો ભય પ્રસરી રહ્યો છે.
બનાવટી સ્ટેમ્પ માટે બોર્ડર ફોર્સ જવાબદારઃ રોયલ મેઇલ
રોયલ મેઇલે બનાવટી પોસ્ટલ ટિકિટોના દોષનો ટોપલો બોર્ડર ફોર્સ પર ઢોળી દીધો છે. રોયલ મેઇલે જણાવ્યું હતું કે, બોર્ડર ફોર્સ બ્રિટનમાં ચીનથી આવતી બનાવટી પોસ્ટલ સ્ટેમ્પ અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. સરકાર બનાવટી સ્ટેમ્પ યુકેમાં આવતી અટકાવવા માટે પુરતા પગલાં લઇ રહી નથી અને તેના કારણે ગ્રાહકોને પાંચ પાઉન્ડની પેનલ્ટીનો ભોગ બનવું પડે છે. બીજીતરફ ચીને આરોપો નકારી કાઢતા જણાવ્યું છે કે રોયલ મેઇલે તેની પોતાની સપ્લાય ચેઇનની તપાસ કરવી જોઇએ.
ચીની બનાવટની નકલી પોસ્ટલ સ્ટેમ્પ કેવી રીતે ઓળખી શકાય
- બારકોડ પર આંગળી ફેરવતા જો તે ભાગ લીસો લાગે તો સ્ટેમ્પ બનાવટી હોઇ શકે, બારકોડનો ભાગ આંગળીના સ્પર્શમાં અનુભવાવો જોઇએ, દરેક બારકોડ અલગ હોય છે
- બારકોડ અને સ્ટેમ્પનો રંગ એકસમાન હોવો જોઇએ
- ટિકિટની આસપાસની ધારની કોતરણી નકલી સ્ટેમ્પમાં વધુ તિક્ષ્ણ હોય છે
- સિક્યુરિટી ઓવલ્સમાં રોમન અક્ષરમાં લખેલ આઇ ડાબી તરફના ઓવલમાં ફીટ હોવું જોઇએ, ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પમાં એસ અને ટી ઓવલના જમણી તરફના મધ્યભાગમાં હોવા જોઇએ


