ચીનના રાજદૂત પર પાર્લામેન્ટના રિસેપ્શનમાં હાજરીનો પ્રતિબંધ

Wednesday 22nd September 2021 06:04 EDT
 
 

લંડનઃ યુકે પાર્લામેન્ટ્સના સ્પીકર્સે હાઉસ ઓફ કેમન્સમાં રિસેપ્શનમાં હાજરી આપવા મુદ્દે ચીનના રાજદૂત ઝેંગ ઝેગુઆંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જેના કારણે લંડન અને બેઈજિંગ વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ સર્જાઈ શકે છે. બ્રિટિશ સાંસદો પર ચીન દ્વારા લગાવાયેલા પ્રતિબંધો દૂર ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ જળવાઈ રહેશે.

કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલ, હાઉસ ઓફ લોર્ડ્સના સ્પીકર લોર્ડ જ્હોન મેક્ફોલે ચીનના રાજદૂત ઝેંગ ઝેગુઆંગના પાર્લામેન્ટમાં પ્રવેશને અટકાવતું નિવેદન જારી કર્યું હતું. ચીનમાં કથિત માનવ અધિકોરોના ભંગ બાબતે બોલનારા બ્રિટિશ સાંસદો અને લોર્ડ્સ વિરુદ્ધ ચીનના પ્રતિબંધો સામે રોષનો આ રીતે પડઘો પડાયો છે. ચીનમાં ઉઈઘૂર મુસ્લિમો પર અત્યાચાર અને જાસૂસીથી માંડી હોંગ કોંગમાં બેઈજિંગ દ્વારા દમન સહિતના મુદ્દાઓ પરત્વે બ્રિટિશ ચિંતા વધવા સાથે ચીન-બ્રિટનના સંબંધો ઠંડા પડ્યા છે.

ઝેંગને ૧૫ સપ્ટેમ્બરની સાંજે થેમ્સ નદી પરના ટેરેસ પેવેલિયનમાં ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ચાઈના ગ્રૂપને સંબોધન કરવા આમંત્રણ અપાયું હતું. આના પરિણામે, માર્ચ મહિનામાં ચીન તરફથી પ્રતિબંધિત કરાયેલા પાંચ સાંસદો સહિત કેટલાક બ્રિટિશ સાંસદોએ રોષ દર્શાવ્યો હતો. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં માનવ અધિકારોનું શોષણ ચાલી રહ્યું હોવાના આક્ષેપોને કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકારે ‘જૂઠાણાં અને ગેરમાહિતી’ ગણાવી ફગાવી દીધાં હતાં. ચીન દ્વારા પ્રતિબંધ લગાવાયેલા સાંસદોમાં પૂર્વ ટોરી નેતા સર ઈઆન ડંકન, કોમન્સ ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન ટોમ ટુગેન્ધાટનો સમાવેશ થતો હતો. તેમણે લઘુમતી ઉઈઘૂર મુસ્લિમોના કથિત સામૂહિક નરસંહાર મુદ્દે ચીન સામે પ્રતિબંધો લાદવાની માગ ઉઠાવી હતી. ચીન સરકારનું કહેવું હતું કે તેના શિનજિયાંગ કેમ્પ્સ ત્રાસવાદીઓના પુનર્શિક્ષણ કેન્દ્રો છે. ૧૦ વ્યક્તિના જૂથને ચીનની મુલાકાત પર પ્રતિબંધ ફરમાવવા ઉપરાંત, તે દેશમાં તેમની સંપત્તિ હોય તેને સ્થગિત કરી દેવાઈ હતી.

ગયા વર્ષે જ્હોન્સને ચીનની સરકારી કંપની હુઆવેઈને બ્રિટનની 5G ટેલિકોમ સિસ્ટમ શરૂ કરવામાં પ્રતિબંધિત કર્યા પછી બંને દેશો વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. સરકાર ન્યુક્લીઅર પાવર પ્રોગ્રામમાંથી ચાઈનીઝ ગ્રૂપ CGNને દૂર કરવાની કાર્યવાહી પણ કરવા વિચારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter