ચીનને £૭૧.૬ મિલિ.ની મદદથી રોષ

Tuesday 28th July 2020 05:50 EDT
 
 

લંડનઃ યુકે દ્વારા સુપર-રિચ ચીનને એક વર્ષમાં ૭૧.૬ મિલિયન પાઉન્ડની મદદ કરાતા સાંસદોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે ઈન્ક્વાયરીની માગણી કરતા પૂર્વ ટોરી નેતા ઇયાન ડંકન સ્મિથ સહિત સાંસદોનું કહેવું છે કે વિશ્વમાં બીજા ક્રમનું ચીનનું અર્થતંત્ર યુકેની સરખામણીએ પાંચ ગણું વિશાળ હોવાં છતાં તેને શા માટે મદદ કરવામાં આવે છે. ચીનને આ રકમ ૨૦૧૮માં મોકલાઇ હતી, જે ૨૦૧૭ની સરખામણીએ ૨૯ ટકા વધુ હતી. યુકે દ્વારા તેની નેશનલ ઈન્કમના ૦.૭ ટકા વાર્ષિક વિદેશોને સહાય પાછળ ખર્ચવામાં આવે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના વાર્ષિક રિપોર્ટમાં વિદેશોને સહાયની રકમો વિશે બહાર આવ્યું છે. કેટલીક નાણાસહાય બ્રિટિશ કંપનીઓની હરીફાઈ કરતી ચાઈનીઝ કંપનીઓને અપાઈ છે. આવી સહાય સીધી બ્રિટિશ સહાય તેમજ યુકે દ્વારા યુએન અને ઈયુને અપાતા ભંડોળમાંથી અપાય છે. યુકેમાંથી લાકો પાઉન્ડની રકમો ચાઈના પ્રોસ્પરિટી ફંડ મારફત મોકલવામાં આવે છે. આ ફંડનું ખુદનું બજેટ ૯૯ મિલિયન પાઉન્ડ છે.

ચીનની પ્રાઇમરી સ્કૂલોના શિક્ષકોને તાલીમ અને વન્યજીવોના ગેરકાયદે વેપાર સામે લડવા તેમજ ક્લાઈમેટ ચેન્જ અને  વિન્ડફાર્મ્સ સ્થાપવાની યોજનામાં ખર્ચ કરવા માટે પણ ફંડ અપાયું છે. સાંસદોએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે મોટા સ્પેસ પ્રોગ્રામ ચલાવતા અને ટેક્લોનોજીના શિક્ષણમાં અગ્રણી દેશને પ્રાઇમરી સ્કૂલનો ખર્ચ ઉઠાવવા બ્રિટનની આર્થિક મદદની જરૂર શા માટે છે?  આંતરરાષ્ટ્રીય સ્તરે હેકિંગ, રાષ્ટ્રીય સલામતી અને માનવ અધિકારોના વિવાદો મધ્યે ચીનનો વિશ્વમાં બહિષ્કાર કરાઈ રહ્યો છે. બ્રિટિશ સરકારે તેના 5G નેટવર્કની કામગીરીમાંથી ચીનની કંપની હુઆવેની હકાલપટ્ટી કરતા ચીને બદલાની ધમકી પણ ઉચ્ચારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter