લંડનઃ કિંગ ચાર્લ્સના નાના ભાઇ પ્રિન્સ એન્ડ્રુ સાથેના સંબંધોને કારણે ચીની જાસૂસે બકિંગહામ પેલેસ સુધી પહોંચ બનાવી લીધી હોવાના આરોપ મૂકાઇ રહ્યાં છે. તેણે પૂર્વ વડાપ્રધાનો ડેવિડ કેમેરૂન અને થેરેસા મે સાથે પણ મુલાકાતો કરી હતી. એચ6 નામે જાહેર કરાયેલી આ વ્યક્તિએ વરિષ્ઠ રાજવીઓનો વિશ્વાસ સંપાદન કરી લીધો હતો.
ડ્યૂક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુના અત્યંત નિકટના મનાતા ચીની બિઝનેસમેન અને કથિત ચીની જાસૂસ પર યુકેમાં પ્રતિબંધ લદાયો છે. એચ6 તરીકે ઓળખાતા આ ચીની બિઝનેસમેને રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર યુકેમાં મૂકાયેલા પ્રતિબંધ વિરુદ્ધ અપીલ કરી હતી જેને કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે. તેના પર માર્ચ 2023માં યુકેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો. અદાલતમાં જણાવવામાં આવ્યું હતું કે, ચીની બિઝનેસમેનના પ્રિન્સ એન્ડ્રુ સાથે ગાઢ સંબંધ હતા. 2020માં પ્રિન્સ એન્ડ્રુએ તેને તેમની બર્થ ડે પાર્ટીમાં પણ આમંત્રિત કર્યો હતો. એમ કહેવાય છે કે ચીનમાં સંભવિત રોકાણકારો સાથે આ બિઝનેસમેન પ્રિન્સ એન્ડ્રુ વતી કામ કરતો હતો.
કથિત ચીની જાસૂસની ઓળખ જાહેર કરાઇ
ડ્યૂક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુ સાથેના કથિત સંબંધો ધરાવતા ચીની જાસૂસની ઓળખ યાન્ગ ટેન્ગબો તરીકે કરાઇ છે. અગાઉ કોર્ટ કેસમાં તેનો ઉલ્લેખ એચ6 તરીકે કરાતો હતો. સોમવારે હાઇકોર્ટના જજે તેની ઓળખ જાહેર કરવાની પરવાનગી આપી હતી. જોકે યાન્ગે જણાવ્યું હતું કે, જાસૂસ તરીકેની મારી ઓળખ તદ્દન ખોટી છે. મેં મારા વકીલોને ખોટી ધારણાઓ અને ગેરમાર્ગે દોરતા અહેવાલોને પગલે મારી ઓળખ જાહેર કરવા જણાવ્યું હતું. મેં કોઇ ખોટું કે ગેરકાયદેસર કામ કર્યું નથી અને હોમ ઓફિસ દ્વારા મારી વિરુદ્ધ વ્યક્ત કરાયેલી ચિંતાઓ અસ્થાને છે.
મેં કથિત ચીની જાસૂસ સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા હતાઃ પ્રિન્સ એન્ડ્રુ
લંડનઃ ડ્યૂક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુએ તેમના પર મૂકાયેલા આરોપોનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સલાહ મળ્યા બાદ મેં ચીની જાસૂસ હોવાના આરોપોના સામનો કરી રહેલા ચીની બિઝનેસમેન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યાં હતાં. પ્રિન્સ એન્ડ્રુ સત્તાવાર સંપર્કો દ્વારા જ તે વ્યક્તિને મળ્યા હતા અને તેમની વચ્ચે સંવેદનશીલ ગણી શકાય તેવા કોઇ મુદ્દા પર ચર્ચા થઇ નહોતી.
પ્રિન્સ એન્ડ્રુ સેન્ડરિંગહામ ખાતેની ક્રિસમસ ઉજવણીમાં સામેલ નહીં થાય
રાજવી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજવી પરિવાર દ્વારા સેન્ડરિંગહામ ખાતે યોજાતી પરંપરાગત ક્રિસમસ ઉજવણીમાં પ્રિન્સ એન્ડ્રુ સામેલ નહીં થાય. ચીની જાસૂસ સાથેના સંબંધોના વિવાદ બાદ ઉજવણી દરમિયાન કોઇ અવરોધ ન સર્જાય તે માટે પ્રિન્સ એન્ડ્રુ તેમાં સામેલ નહીં થાય તેવી અટકળો ચાલી રહી હતી. તેઓ ક્રિસમસના દિવસે વિન્ડસર ખાતેના તેમના નિવાસસ્થાન ખાતે જ રહેશે.


