ચુકા ઉમન્ના- હેઈડી એલન સહિત છ સાંસદોએ ચેન્જ યુકે પાર્ટી છોડી

Wednesday 12th June 2019 03:26 EDT
 
 

લંડનઃ ઈયુ પાર્લામેન્ટની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનથી નિરાશ ચુકા ઉમન્ના અને હેઈડી એલન સહિત છ સાંસદોએ ચેન્જ યુકે પાર્ટી છોડી દીધી છે. થોડા મહિના અગાઉ જ રચાયેલી પાર્ટીએ તેમના નવા નેતા તરીકે અન્ના સોબ્રીની નિયુક્તિ પણ કરી દીધી હતી. હવે ચેન્જ યુકે પાર્ટીમાં માત્ર પાંચ સાંસદ રહ્યા છે.

ચુકા ઉમન્ના અને હેઈડી એલનની સાથે લુસિયાના બર્જર, સારાહ વોલાસ્ટન, એન્જેલા સ્મિથ અને ગાવિન શુકરે પણ ચેન્જ યુકે પાર્ટીને છોડી છે. હવે તેઓ ઈન્ડિપેન્ડન્ટ ગ્રુપ તરીકે સાથે રહેશે. બીજી તરફ, ચેન્જ યુકે પાર્ટી પાસે અન્ના સોબ્રી, ક્રિસ લેસ્લી, જોન રાયન, માઈક ગેપ્સ અને એન કોફી એમ પાંચ સાંસદ રહ્યાં છે. યુરોપિયન પાર્લામેન્ટ ચૂંટણીમાં ચેન્જ યુકે પાર્ટીનો રકાસ થયો હતો અને તેને માત્ર ૩.૪ ટકા વોટ જ મળ્યાં હતાં અને કોઈ બેઠક મળી નથી.

ચેન્જ યુકેના નેતા મિસ સોબ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આ બહાર નીકળી જવાનો સમય નથી પરંતુ, બાંયો ચડાવી આગળ વધવાનો સમય છે.’ દરમિયાન, નવજીવન પામેલી પાર્ટી લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર વિન્સ કેબલે આ છ સાંસદોને તેમની પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. બ્રેક્ઝિટ અને એન્ટિ-સેમેટિઝમ જેવા મુદ્દાઓ પર નારાજ લેબર અને ટોરી પાર્ટીના સાંસદોએ પક્ષ છોડી ફેબ્રુઆરીમાં ‘ઈન્ડિપેન્ડન્ટ ગ્રુપ’ રચ્યું હતું. તેમણે ‘ચેન્જ યુકે’ પાર્ટીના નવા નામે યુરોપિયન પાર્લામેન્ટ ચૂંટણીમાં ભાગ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter