ચૂંટણી ચકરાવો

Tuesday 04th June 2024 13:02 EDT
 
 

કન્ઝર્વેટિવ પાર્ટીનું સૌપ્રથમ પ્રચાર પોસ્ટર જારી કરાયું

લંડનઃ સંસદની ચૂંટણી માટે કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા પ્રથમ પોસ્ટર જારી કરાયું હતું જેમાં મતદારોને ચેતવણી અપાઇ છે કે જો તમે માનો છો કે લેબર પાર્ટી જીતશે તો અત્યારથી બચત કરવાનું શરૂ કરી દો. આ પોસ્ટરને સમગ્ર દેશના બિલબોર્ડ પર પ્રદર્શિત કરવાનો ટોરીઝે પ્રારંભ કરી દીધો છે. ટોરી પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ પોસ્ટર 1978માં માર્ગારેટ થેચરને વિજેતા બનાવનાપ પોસ્ટર લેબર ઇઝન્ટ વર્કિંગ પરથી પ્રેરણા લઇ તૈયાર કરાયું છે.

સંસદનું વિસર્જન, ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે 4 જુલાઇના રોજ યુકેમાં સંસદની ચૂંટણીની જાહેરાત કર્યા બાદ 29 મેના રોજ સંસદ ભંગ કરી દેવામાં આવી હતી. આ સાથે પાંચ સપ્તાહના ચૂંટણી પ્રચારના સમયનો પ્રારંભ થઇ ગયો હતો. ગુરુવારે મધરાતે સંસદના વિસર્જનની સાથે તમામ 650 સંસદીય બેઠકો ખાલી થઇ ગઇ હતી અને ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થયો હતો.

નાઇજલ ફરાજ ચૂંટણી લડશે અને રિફોર્મ યુકેનું નેતૃત્વ પણ કરશે

લંડનઃ નાઇજલ ફરાજે સંસદની ચૂંટણીમાં ઉમેદવારી કરવા અને રિફોર્મ પાર્ટીને આગામી પાંચ વર્ષ સુધી નેતૃત્વ પુરું પાડવાની જાહેરાત કરતાં કન્ઝર્વેટિવ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ફરાજે જણાવ્યું હતું કે, તેઓ એસેક્સની ક્લેક્ટન બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. હું મારા સમર્થકોનો જુસ્સો તોડી પાડવા માગતો નથી. ફરાજ રિચર્ડ ટાઇસના સ્થાને રિફોર્મ યુકે પાર્ટીનું નેતૃત્વ પણ કરશે. ફરાજની આ જાહેરાતના પગલે ક્લેક્ટનના ટોરી ઉમેદવાર સામે મોટો પડકાર ઊભો થયો છે.

પૂર્વ લેબર નેતા જેરેમી કોર્બિને અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું

લંડનઃ પૂર્વ લેબર નેતા જેરેમી કોર્બિને ઇસલિન્ગટન નોર્થ બેઠક પર પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે. 2015થી 2020 સુધી કોર્બિન લેબર પાર્ટીનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતાં પરંતુ હવે અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવી રહ્યાં છે. કોર્બિન નોર્થ લંડનના આ મતવિસ્તારનું 1983થી પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ વખતે તેમની લેબર પાર્ટીએ ઉમેદવારી પર રોક લગાવી છે.

લેબર પાર્ટીએ એબ્બોટ, મોયલે અને શાહીન જેવા ડાબેરી નેતાઓની બાદબાકી કરી

લંડનઃ લેબર પાર્ટીએ તેના પીઢ સાંસદ ડાયને એબ્બોટને આ વખતે ઉમેદવારી કરતાં અટકાવતાં મોટો વિવાદ સર્જાયો છે. ડાયનેએ પાર્ટીના નેતૃત્વ પર ડાબેરી વિચારધારા ધરાવતા ઉમેદવારોની બાદબાકી કરવાનો આરોપ લગાવ્યો છે. ડાયને ઉપરાંત લેબર પાર્ટીએ ડાબેરી વિચારધારા ધરાવતા ફૈઝા શાહીનને પણ પાર્ટી તરફથી ઉમેદવારી કરવા પર રોક લદાવી છે. લેબર પાર્ટીએ બ્રાઇટન કેમ્પટાઉનના ડાબેરી ઝોક ધરાવતા સાંસદ લોઇડ રસેલ મોયલેને પણ સસ્પેન્ડ કરી દીધાં છે જેથી તેઓ હવે પાર્ટી તરફથી ઉમેદવારી કરી શકશે નહીં.

કન્ઝર્વેટિવ પાર્ટી સાથે ગઠબંધન મુદ્દે રિફોર્મ યુકેમાં તડાં

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે સંભવિત ગઠબંધન મુદ્દે રિફોર્મ યુકે પાર્ટીમાં સ્પષ્ટ તડાં સામે આવી ગયાં છે. રિફોર્મ યુકેના નેતાનાઇજલ ફરાજે જણાવ્યું હતું કે, જો કન્ઝર્વેટિવ પાર્ટીએ તેમણે આપેલા સાથ માટે બદલામાં કંઇક આપવાની વાત કરી હોત તો તેઓ ગઠબંધન મુદ્દે વિચારણા કરતા પરંતુ અન્ય નેતા રિચર્ડ ટાઇસે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટી સાથે કોઇ ડીલ થઇ નથી કે અમે કોઇ ડીલ કરવાના પણ નથી.

કન્ઝર્વેટિવ સાંસદ માર્ક લોગન લેબર પાર્ટીમાં જોડાશે

લંડનઃ વધુ એક કન્ઝર્વેટિવ સાંસદ માર્ક લોગને પાર્ટી સાથે છેડો ફાડી લેબર પાર્ટીને સમર્થન આપતાં રિશી સુનાકને વધુ એક ફટકો પડ્યો છે. બોલ્ટન નોર્થ ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરનાર માર્ક લોગને જણાવ્યું હતું કે, એક દાયકા પહેલાં હું જે કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાયો હતો તેવી તે આજે રહી નથી. લેબર પાર્ટી બ્રિટિશ જીવનમાં નવો આશાવાદ લાવી શકે છે. હું લેબર પાર્ટીમાં જોડાઇ રહ્યો છું અને ઉમેદવારી પણ કરી શકુ છું.

શહેર ન ગમતું હોવાની ટિપ્પણીના કારણે ઇયાન ડેલે ઉમેદવારી પાછી ખેંચી

લંડનઃ સંસદની ચૂંટણી લડવા માટે રેડિયો પ્રેઝન્ટરની નોકરી છોડી દીધાના બે દિવસ બાદ ઇયાન ડેલે ટર્નબ્રિજ વેલ્સ બેઠક પરથી ટોરી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. એલબીસીના પ્રેઝન્ટર ઇયાન ડેલે એક પોડકાસ્ટમાં એમ જણાવ્યું હતું કે, મને રહેવા માટે આ શહેર પસંદ નથી. વિવાદ સર્જાયા બાદ ઇયાને ટોરી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter