ટોરી નેતાઓની પત્નીઓએ પણ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું
લંડનઃ કન્ઝર્વેટિવ નેતાઓની સાથે હવે તેમની પત્નીઓ પણ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવી રહી છે. બુધવારે વડાપ્રધાન રિશી સુનાક, ચાન્સેલર જેરેમી હન્ટ અને હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીની પત્નીઓએ કન્ઝર્વેટિવ પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ સાથે લૂસિયા હન્ટ અને સુસી ક્લેવરલી સફોકના ફોર્ડહામમાં પ્રચારમાં જોડાયાં હતાં. તેમની સાથે સ્થાનિક ટોરી ઉમેદવાર અને કલ્ચર સેક્રેટરી લ્યૂસી ફ્રેઝર પણ સામેલ થયાં હતાં.
રશિયાનું સમર્થન કરનાર ઉમેદવારને લેબર પાર્ટીએ સસ્પેન્ડ કર્યો
લંડનઃ લેબર પાર્ટીએ રશિયાનું સમર્થન કરતી પોસ્ટ કરવા માટે તેના એક ઉમેદવારને પાર્ટીમાંથી બરતરફ કરી દીધો છે. આબેરદીનશાયર નોર્થ અને મોરે ઇસ્ટ બેઠક પરથી લેબર પાર્ટીના ઉમેદવાર એન્ડી બ્રાઉને લેબર પાર્ટી પર એન્ટીસેમિટિઝમના આરોપો નકારી કાઢતી પોસ્ટ શેયર કરવાનો પણ આરોપ મૂકાયો હતો. લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તપાસ બાદ એન્ડી બ્રાઉનને પાર્ટીમાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવાયો છે.
બોરિસ જ્હોન્સન પ્રચાર કરવાના બદલે સમર હોલીડે પર જશે
લંડનઃ પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ચૂંટણી પ્રચારમાં જોડાવાને બદલે વેકેશન માણવાની તૈયારી કરી રહ્યા છે. જ્હોન્સનને ભય છે કે 2019માં તેઓ જે બેઠકો જીતવામાં સફળ રહ્યાં ત્યાં હવે લેબર પાર્ટી હાવી થઇ ગઇ છે અને દક્ષિણ બ્રિટનમાં તેઓ મતદારોને રિઝવી શકે તેમ નથી. 60 વર્ષીય જ્હોન્સન આગામી થોડા દિવસોમાં બીજા સમર હોલીડે પર ચાલ્યા જાય તેવી સંભાવના છે.
મુસ્લિમોના ટીકાકાર ફરાજની રિફોર્મ યુકેને મુસ્લિમ ઉદ્યોગપતિ દ્વારા હજારો પાઉન્ડનું ફંડિંગ
લંડનઃ યુકેના એક મુસ્લિમ ઉદ્યોગપતિએ રિફોર્મ યુકેને હજારો પાઉન્ડનું ફંડિંગ કર્યું છે. ઝિયા યુસુફ દ્વારા કેટલું દાન અપાયું છે તેની જાહેરાત પાર્ટી દ્વારા કરાઇ નથી પરંતુ પાર્ટીનું કહેવું છે કે તેને અત્યાર સુધીનું સૌથી મોટું દાન પ્રાપ્ત થયું છે. ઝિયા યુસુફ કહે છે કે સરકાર સરહદો પરનું નિયંત્રણ ગુમાવી બેઠી છે. મુસ્લિમો બ્રિટિશ મૂલ્યોનું અનુસરણ કરતાં નથી તેવી નાઇજલ ફરાજની ટિપ્પણી બાદ મુસ્લિમ સંગઠનોએ આકરી ટીકા કરી હતી. પરંતુ યસુફ કહે છે કે રિફોર્મ યુકે બ્રિટિશ મૂલ્યોના જતન માટે પ્રતિબદ્ધ છે.
એસએનપી પર સરકારી ટિકિટો ચૂંટણી પ્રચારમાં વાપરવાનો આરોપ
લંડનઃ આર્થિક સંકડામણનો સામનો કરી રહેલી એસએનપી પર સંસદીય કામગીરી માટે અધિકૃત કરાયેલી ટપાલ ટિકિટો ચૂંટણી પ્રચારમાં વાપરવાનો આરોપ મૂકાયો છે. સ્કોટલેન્ડની સંસદ દ્વારા આ આરોપની તપાસ શરૂ કરાઇ છે. પાર્લામેન્ટને ફરિયાદ મળી હતી કે એસએનપીના સ્ટાફ દ્વારા સરકારી સહાય ધરાવતી ટપાલ ટિકિટોનો પ્રચાર પ્રવૃત્તિ માટે થઇ રહ્યો છે.
ફરાજ સાથે સંભવિત ગઠબંધનનો પ્રીતિ પટેલનો ધરાર ઇનકાર
લંડનઃ પ્રીતિ પટેલ અને અન્ય કન્ઝર્વેટિવ નેતાઓએ ચૂંટણી બાદ નાઇજલ ફરાજ સાથે ગઠબંધનની કોઇપણ સંભાવનાને નકારી કાઢી છે. પ્રીતિ પટેલે તેમના સાથી ટોરીઝને જણાવ્યું હતું કે, જો હું કન્ઝર્વેટિવ નેતા બની તો નાઇજલ ફરાજને પાર્ટીમાં પરત ફરવા દઇશ નહીં. ફરાજે છેલ્લા બે દાયકા પાર્ટી વિરુદ્ધ કામ કરવામાં જ વીતાવ્યા છે. પ્રીતિ પટેલ માને છે કે ચૂંટણી બાદ ફરાજ સાથે કોઇપણ સમજૂતિનો પ્રયાસ થશે તો કન્ઝર્વેટિવ પાર્ટીના જ ફાડિયા થઇ જશે.
18 વર્ષનો પેડ્રો કોન્સિકાઓ સૌથી યુવા ઉમેદવાર
લંડનઃ આ વખતની સંસદની ચૂંટણીમાં 18 વર્ષનો પેડ્રો દ કોન્સિકાઓ સૌથી યુવા ઉમેદવાર છે. તેણે તાજેતરમાં જ એ લેવલની ફાઇનલ એક્ઝામ આપી છે. પોર્ટુગલમાં જન્મેલો પેડ્રો વેસ્ટ લંડનમાંથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યો છે. તે કહે છે કે સંસદમાં યુવાઓનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે તેના કારણે મને ચૂંટણીમાં ઝંપલાવવાની પ્રેરણા મળી હતી.
ટોરી પાર્ટીએ બે સટોડિયા ઉમેદવારોનું સમર્થન પાછુ ખેંચ્યું
લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ ચૂંટણીની તારીખ પર જુગારનો દાવ લગાવનારા તેના બે ઉમેદવારોને સમર્થન પાછું ખેંચી લીધું છે. હાલ તેમની સામે ગેમ્બલિંગ કમિશન દ્વારા તપાસ ચાલી રહી છે. મોન્ટગોમરીશાયરના ટોરી ઉમેદવાર ક્રેગ વિલિયમ્સ અને બ્રિસ્ટોલ નોર્થ વેસ્ટના ટોરી ઉમેદવાર લૌરા સૌન્ડર્સને હવે પાર્ટી ચૂંટણીમાં ટેકો નહીં આપે. જો તેઓ ચૂંટાઇ આવશે તો પણ તેમને ટોરી ઉમેદવારને બદલે અપક્ષ ઉમેદવાર ગણાશે. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આંતરિક તપાસના પરિણામે અમે આ બંને ઉમેદવારને પાર્ટીનું સમર્થન પાછું ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.


