ચૂંટણી તારીખ પર બેટિંગ મુદ્દે કન્ઝર્વેટિવ પર માછલાં ધોવાયાં

બેટિંગ માટે દોષી ઠરનારા સામે કાયદો કામ કરશે, પાર્ટીમાંથી હાંકી કઢાશેઃ સુનાક

Tuesday 25th June 2024 11:33 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં સંસદની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં તેના પર જુગારનો દાવ લગાવવાનો વિવાદ વડાપ્રધાન રિશી સુનાક માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે ચૂંટણીની તારીખ પર બેટિંગ કરવાના મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટી ભારે ભીંસમાં આવી ગઇ છે. આગબબૂલા થયેલા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે ચૂંટણીની તારીખ પર સીનિયર કન્ઝર્વેટિવ નેતાઓએ બેટિંગ કરતાં હું અત્યંત ગુસ્સામાં છું. નિયમોનું ઉલ્લંઘન લકરનારા સામે કાયદાએ કડક હાથે કામ લેવું જોઇએ. બીબીસી ક્વેશ્ચન ટાઇમ ઇવેન્ટમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ચૂંટણીની તારીખ પર બેટિંગ કરવા માટે શંકાના દાયરામાં આવેલા બે ઉમેદવારો દોષી ઠરશે તો તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. અત્યાર સુધીમાં ગેમ્બલિંગ કમિશન દ્વારા ટોરી પાર્ટી સાથે સંકળાયેલા 4 વ્યક્તિઓ સામે તપાસનો પ્રારંભ કર્યો છે. એવો આરોપ મૂકાઇ રહ્યો છે કે સત્તાધારી પાર્ટીના સભ્યોએ ચૂંટણીની તારીખ અંગે જુગાર રમવા અંદરની માહિતીનો ઉપયોગ કર્યો હતો. એવા સંખ્યાબંધ દાવ લગાવવામાં આવ્યા હતા જેમાં હજારો પાઉન્ડ જીતી શકાય. કન્ઝર્વેટિવ પાર્ટીના બે ઉમેદવાર લૌરા સૌન્ડર્સ અને ક્રેગ વિલિયમ્સ સામે ગેમ્બલિંગ કમિશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત સૌન્ડર્સના પતિ અને કન્ઝર્વેટિવ ડિરેક્ટર ઓફ કેમ્પેનિંગ ટોની લી પર પણ ગેમ્બલિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. પાર્ટીના ચીફ ડેટા ઓફિસર નિક મેસન પણ તપાસના ઘેરામાં છે.

પત્નીએ દાવ લગાવતા ટોરી કેમ્પેન ડિરેક્ટરે પ્રચારમાંથી ખસી જવું પડ્યું

ગેમ્બલિંગ કમિશનની તપાસનો સામનો કરી રહેલા લૌરા સૌન્ડર્સના પતિ અને ટોરી કેમ્પેન ડિરેક્ટર ટોની લીએ પ્રચારમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ગેમ્બલિંગ કમિશન ટોની લી સામે પણ તપાસ કરી રહ્યું છે.

ટોરી ડેટા ચીફ નિક મેસન સામે પણ બેટિંગના આરોપ

સંસદની ચૂંટણીની તારીખ પર કથિત જુગાર રમવાના આરોપોસર કન્ઝર્વેટિવ પાર્ટીના 4 લોકો સામે તપાસ ચાલી રહી છે. કન્ઝર્વેટિવ ડેટા ચીફ નિક મેસન સામે પણ ગેમ્બલિંગ કમિશને આરોપોની તપાસ શરૂ કરી છે. હાલ તો મેસન રજા પર ઉતરી ગયાં છે. તેમના પ્રવક્તાએ આરોપોને નકારી કાઢ્યાં છે.

ચૂંટણીની તારીખ પર દાવ લગાવનાર સુનાકના બોર્ડીગાર્ડની ધરપકડ

ચૂંટણીની તારીખ પર જુગારનો દાવ લગાવનાર વડાપ્રધાન રિશી સુનાકના પોલીસ બોડીગાર્ડની ધરપકડ કરાઇ છે. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, રોયલ્ટી એન્ડ સ્પેશિયાલિસ્ટ પ્રોટેક્શન કમાન્ડના કોન્સ્ટેબલને સોમવારે ઓળખી કઢાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter