ચૂંટણી મધ્યે નાટો શિખર પરિષદમાં ટ્રમ્પ સહિત ૨૯ દેશના નેતાઓનું આગમન

Wednesday 04th December 2019 02:59 EST
 
 

લંડનઃ યુકેમાં ચૂંટણીમાં માહોલની વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મેલેનિઆ સાથે સોમવારની રાતે લંડનમાં નાટો નેતાઓની ત્રણ દિવસની બેઠકમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. નાટોને ૭૦ વર્ષ પૂર્ણ થયાની વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે તેના ૨૯ સભ્ય દેશોના વડા એકત્ર થઈ રહ્યા છે. તેમના આગમનની સાથે જ લેબરનેતા જેરેમી કોર્બીને યુએસ-યુકેનો વેપારસોદો NHSને વેચી દેવા તરફ દોરી જશે તેવા આક્ષેપ સાથે સનસનાટી મચાવી દીધી હતી. ટ્રમ્પે બ્રિટનની ચૂંટણી સંદર્ભે કોઈ પણ ટીપ્પણ કરવાનું નકાર્યું હતું. પ્રમુખ અને ફર્સ્ટ લેડી માટે ક્વીન દ્વારા બકિંગહામ પેલેસમાં રીસેપ્શન પણ યોજાયું હતું.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પ્રમુખ ટ્રમ્પ સાથેના સંબંધોને ખાસ મહત્ત્વ ન અપાય તેનું ધ્યાન રાખશે. યુએસ-યુકેનો સંભવિત વેપારસોદો NHSને વેચી દેવા તરફ દોરી જશે અને બ્રિટિશરોને દવાઓની ઊંચી કિંમતો ચૂકવવી પડશે તેવા લેબર પાર્ટીના આક્ષેપો સામાન્ય ચૂંટણીમાં ટોરી પાર્ટીને નુકસાન ન કરે તેના પર ધ્યાન આપશે. ટોરી પાર્ટીના રણનીતિકારો ઈશા સેવે છે કે આખાબોલા ટ્રમ્પ લેબરના આક્ષેપોમાં આગ નહિ ફેલાવે. લેબર પાર્ટીનો આક્ષેપ છે કે યુએસ કોઈ પણ સોદાની કિંમત તરીકે NHSમાંથી નફો કરવા માગશે.

જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે પ્રચારના મહત્ત્વના સમયે તેઓ ઈલેક્શનની ચર્ચા સંદર્ભે ટ્રમ્પની કોઈ સલાહને આવકારશે નહિ. તેમણે ગત સપ્તાહે જણાવ્યું હતું કે યુએસ અને યુકે જવા ‘ગાઢ મિત્રો અને સાથીઓ’એ એકબીજાની ચૂંટણીઓમાં દખલઅંદાજી કરવી જોઈએ નહિ. જ્હોન્સનની ડાયરીમાં ટ્રમ્પ સાથે દ્વિપક્ષી મંત્રણાની બેઠક નક્કી કરાઈ નથી પરંતુ, બુધવારે આમનેસામને બેઠકની શક્યતા છે. ટ્રમ્પ સંપૂર્ણ બે દિવસ યુકેમાં વીતાવશે અને બુધવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધે તેવી શક્યતા છે.

ટ્રમ્પના આગમન સાથે જ લેબરનેતા કોર્બીને તેમને પત્ર પાઠવી બ્રેક્ઝિટ પછીના કોઈ પણ વેપારસોદામાં ફાર્માસ્યુટિકલ્સનો ઉલ્લેખ નહિ કરાય તેમજ માટે ડ્રગ્સની અસરકારક કિંમત બાબતે યુકે ડ્રગ્સ વોચડોગની ભૂમિકા સ્વીકારવાની ખાતરીઓ માગી હતી. તેમણે યુકેની જાહેર સેવાઓમાં ‘ સંપૂર્ણ માર્કેટ પહોંચ’ની અમેરિકાની માગણી પડતી મૂકવાની પણ વિનંતી કરી હતી. તેમણે વડા પ્રધાનને પણ લખ્યું હતું કે વોશિંગ્ટનના વાટાઘાટના હેતુઓમાં ફાર્માસ્યુટિકલ્સનો ઉલ્લેખ રદ ન કરાય તો ટ્રમ્પ સાથેની વેપારમંત્રણા પડતી મૂકવાનો પણ આગ્રહ કર્યો હતો.

નાટો નેતાઓની બેઠકમાં સીરિયાનો સંઘર્ષ તેમજ કુર્દીશ વિસ્તારોમાં ટુર્કીના હુમલા તંગદીલી સર્જનારા બની રહેશે. ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંએ તુર્કીના હુમલા સંદર્ભે નાટોને ‘બ્રેઈન ડેડ’ ગણાવ્યું છે. યુએસ પ્રમુખે બોરિસ જ્હોન્સનને ‘અતિ સક્ષમ’ ગણાવી પ્રશંસા કર્યા પછી એમ પણ કહ્યું હતું કે તેઓ બ્રેક્ઝિટના ચાહક છે અને કોર્બીન સરકાર સહિત કોઈની પણ સાથે કામ કરવા તૈયાર છે.

બીજી તરફ, ટ્રમ્પે કોર્બીનના આક્ષેપોનો સ્પષ્ટ ઉત્તર વાળતા કહ્યું હતું કે ‘અમને સોનાની પ્લેટ પર સજાવીને અપાશે તો પણ અમે NHSને અડીશું નહિ.’ યુકે હેલ્થ સર્વિસને અમેરિકી કંપનીઓ માટે ખુલ્લી મૂકવા અને દવાઓની કિંમત ઊંચે લઈ જવાના કોર્બીનના આક્ષેપો તેમણે ફગાવી દીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter