ચૂંટણીનો ચકરાવોઃ વર્કિંગ ક્લાસ પર ટોરી પાર્ટીનો અંકુશ વધ્યોઃ કોર્બીનની પીછેહઠ

ચૂંટણીનો ચકરાવો

Wednesday 20th November 2019 01:40 EST
 
 

લંડનઃ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે ડેટાપોલ સર્વેમાં કન્ઝર્વેટીવ્ઝે ૪૫ ટકા મત મેળવી તેના મુખ્ય હરીફ લેબર પાર્ટી સામે ૧૫ પોઈન્ટની સરસાઈ હાંસલ કરી છે. લેબર પાર્ટીને ૩૦ ટકા સમર્થન મળ્યું હતું જ્યારે લિબરલ ડેમોક્રેટસને ટેકો ૧૧થી ઘટીને પાંચ પોઈન્ટનો થયો છે. લિબરલ ડેમોક્રેટ નેતા જો સ્વિન્સન કન્ઝર્વેટીવ્ઝ વિરુદ્ધ રીમેઈનતરફી મતદાન માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે પાર્ટી માટે ઘટેલું સમર્થન ચિંતાજનક છે. વર્કિંગ ક્લાસના મતદારો પર ટોરી પાર્ટીનો અંકુશ વધી રહ્યો છે. આ પોલ દર્શાવે છે કે બ્રેક્ઝિટ અંગે સ્પષ્ટ નીતિ જ્હોન્સનને સમર્થન અપાવી રહી છે. કોર્બીનની સરખામણીએ જ્હોન્સનની લોકપ્રિયતા વધી રહી છે.

YouGov ના સર્વે મુજબવર્કિંગ ક્લાસના લગભગ અડધા (૪૭ ટકા) મતદારો ટોરી પાર્ટીને મત આપવા માગે છે જ્યારે ૨૭ ટકા મતદાર લેબર પાર્ટીને ટેકો આપવા તત્પર છે. વર્કિંગ ક્લાસના માત્ર પાંચ ટકા મતદારે બ્રેક્ઝિટ પાર્ટીને મત આપવાનું જણાવ્યું હતું. આનાથી વિરુદ્ધ, સમૃદ્ધ મતદારોના ૨૯ ટકા લોકો લેબર પાર્ટીને મત આપવા વિચારે છે. ટોરી પાર્ટીને ૩૮ ટકા અને બ્રેક્ઝિટ પાર્ટીને માત્ર ત્રણ ટકા મતદારોનું સમર્થન છે.

ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન ખાતે પોલિટિક્સના પ્રોફેસર અને પોલ એક્સપર્ટ ફિલિપ કાઉલી કહે છે કે બોરિસ જ્હોન્સન આગળ વધતા જાય છે. પાર્લામેન્ટ દ્વારા ઈલેક્શન માટે મતદાન થયા પછી સમગ્ર રાષ્ટ્રમાં બ્રિટિશ પોલિંગ કાઉન્સિલ દ્વારા ૨૮ રાષ્ટ્રવ્યાપી ઓપિનિયન પોલ્સ લેવાયા છે. આ બધા પોલ્સ સંમત થાય છે કે કન્ઝર્વેટિવ્ઝ આગળ છે. જોકે, સરસાઈ બાબતે તેઓ અલગ પડે છે. જ્હોન્સન અને કોર્બીન વચ્ચે આમનેસામને ટેલિવિઝન ચર્ચાઓ પછી સાચું ચિત્ર બહાર આવે તેવી શક્યતા છે.

બિનકુશળ ઈમિગ્રેશન ઘટાડાશેઃ બોરિસ જ્હોન્સન

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું છે કે ટોરી પાર્ટી બ્રિટનમાં બિનકુશળ ઈમિગ્રેશન ઘટાડશે કારણકે તેનાથી જાહેર સેવાઓ પર દબાણ વધે છે. વડા પ્રધાને કહ્યું છે કે તેઓ ઈમિગ્રેશન તરફી રાજકારણી છે પરંતુ જો તેઓ ચૂંટણી જીતશે અને બ્રેક્ઝિટમાંથી પાર ઉતરશે તો ફેરફારો કરાશે. કટ્ટરવાદી હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સંખ્યા ઘટાડવા હુંકાર કર્યા પછી વડા પ્રધાને બીબીસી સાથેના ઈન્ટર્વ્યૂમાં આ ટીપ્પણી કરી હતી. જ્હોન્સને પણ ઈમિગ્રેશ મુદ્દે કોઈ લક્ષ્યાંક આપવા ઈનકાર કર્યો હતો. ટોરી પાર્ટીએ દર વર્ષે નેટ ઈમિગ્રેશનની સંખ્યા ૧૦૦,૦૦૦થી નીચે લાવવા દાયકા જૂનો લક્ષ્યાંક હવે પડતો મૂક્યો છે. આ સાથે લેબર પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ટોરી પાર્ટીમાં આ મુદ્દે આંતરિક ગજગ્રાહ ચાલી રહ્યો છે.

સમગ્રતયા ઈમિગ્રેશન ઘટાડાશેઃ પ્રીતિ પટેલ

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું છે કે કન્ઝર્વેટિવ પાર્ટી પોઈન્ટ્સ આધારિત સિસ્ટમ સાથે સમગ્રતયા ઈમિગ્રેશન ઘટાડશે. જો જેરેમી કોર્બીન વડા પ્રધાન બનશે તો ઈમિગ્રન્સની સંખ્યામાં ઉછાળો આવશે તેવી ચેતવણી પણ તેમણે આપી છે. કન્ઝર્વેટિવ્ઝે જણાવ્યું છે કે ઓપન બોર્ડરની લેબર પાર્ટીની દરખાસ્તોમાં નવું સંશોધન સ્પષ્ટ કરે છે કે નેટ માઈગ્રેશનમાં પ્રતિ વર્ષ ૮૪૦,૦૦૦ જેટલો વધારો થઈ શકે છે. જોકે, લેબર પાર્ટીએ આ સંશોધનને બોગસ જણાવ્યું છે તે અલગ વાત છે. હોમ સેક્રેટરી પટેલે જણાવ્યું છે કે કોર્બીનના લેબર શાસનમાં ઈમિગ્રેશનમાં ઉછાળો આવશે અને તેનાથી આપણી શાળાઓ અને NHS પર ભારે દબાણ આવશે. ખુલ્લી સરહદોની નીતિના પરિણામોનો કેવી રીતે સામનો કરવો તેની કોઈ વિશ્વસનીય યોજના કોર્બીન પાસે નથી. ઉલ્લેખનીય છે કે લેબર શેડો હોમ સેક્રેટરી ડિઆન એબોટે કહ્યું છે કે તેમની પાર્ટી ઈલેક્શનમાં જીતશે તો મુક્ત અવરવરના અધિકારો આપશે.

વાઝના સ્થાને ઉમેદવાર મુદ્દે લેબર પાર્ટીમાં ઘમાસાણ

લેબર સાંસદ કિથ વાઝની નિવૃત્તિના પગલે લેસ્ટર ઈસ્ટ બેઠક પર ઉમેદવારી માટે ઈઝલિંગ્ટનના કાઉન્સિલર અને કોર્બીનના સાથી ક્લૌડિયા વેબની પસંદગી કરાઈ છે. લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય વેબ આ સલામત બેઠક મેળવવામાં સફળ રહ્યાં છે. આ સાથે પાર્ટીના રાજકારણીઓ અને સમર્થકોમાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે. બ્રેન્ટમાંથી લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહ કહે છે કે અરજી કરવા છતાં તેમનો ઈન્ટર્વ્યૂ પણ લેવાયો નહિ. તેમણે કહયું છે કે તેઓ શાંતિથી બેસી નહિ રહે અને અવાજ ઉઠાવશે. યુકેમાં લેસ્ટર ઈસ્ટમાં ગુજરાતી લોકોનું સૌથી વધુ પ્રમાણ છે અને ઉમેદવાર બનાવી શકાય તેવાં અનેક ગુજરાતીઓ પણ છે. લેબર પાર્ટીએ ઘણા લાંબા સમયથી BAME કોમ્યુનિટીને મહત્ત્વ જ આપ્યું નથી તેમ પણ શાહે કહ્યું હતું. પસંદ નહિ કરાયેલા સંદિપ મેઘાણીએ પણ વેબની પસંદગીને લેસ્ટર અને બ્રિટનમાં ભારતીય કોમ્યુનિટીના ચહેરા પર લપડાક સમાન ગણાવી છે. લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાએ પણ દેશભરમાં ભારતીય વારસા સાથેના ઉમેદવારોને પસંદ નહિ કરાયાનો વિરોધ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter