લંડનઃ યુકે સરકારે મતદાન મથકો પર મતદાન વખતે ફોટો આઈડી બતાવવાના આયોજન વિશે ફેરવિચારણા કરવી જોઈએ તેમ સાંસદોએ જણાવ્યું હતું. હાઉસ ઓફ કોમન્સની બંધારણીય બાબતોની સમિતિએ જણાવ્યું કે આ પગલાંને લીધે મતદાન કરવા આવતા લોકોની સંખ્યા ઘટશે અને મતદાન કરવાનું વધુ મુશ્કેલ બનશે. જુદા જુદા ગ્રૂપ્સને તેની અસર કેવી રીતે થશે તેના વિશે નવેસરથી સંશોધન કર્યા વિના દરખાસ્તોને આગળ વધારવી જોઈએ નહીં. સરકારે દલીલ કરી હતી કે મતદારો દ્વારા સંભવિત ઠગાઈથી ચૂંટણીને રક્ષણ આપવા માટે આ પગલું જરૂરી છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યુકેના જનરલ ઈલેક્શન્સ, ઈંગ્લિશ લોકલ ઈલેક્શન અને પોલીસ તથા ક્રાઈમ કમિશનર ઈલેક્શન મતદારોએ ફોટો આઈડી બતાવવું પડશે.
અત્યારે ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં મતદાન કરતી વખતે ફોટો આઈડી જરૂરી નથી. પરંતુ, નોર્ધર્ન આયર્લેન્ડમાં ૨૦૦૩થી તે ફરજિયાત છે. આ જરૂરિયાતને સરકારના ઈલેક્શન બીલમાં દાખલ કરવામાં આવશે.
મતદારો ડ્રાઈવર્સ લાઈસન્સ સહિતના આઈડી કાર્ડ્સ અને યુકે, કોમનવેલ્થ અથવા યુરોપિયન ઈકોનોમિક એરિયા (EEA) પાસપોર્ટ દર્શાવી શકશે. તેઓ ફોટો સાથેના ટ્રાવેલ પાસ, ડિસેબલ્ડ પાર્કિંગ બેજ બતાવી શકશે અથવા ફ્રી સ્પેશિયલ વોટર કાર્ડ માટે અરજી કરી શકશે.
સત્તાવાર તારણમાં ફોટો આઈડીને અમલમાં મૂકવા પાછળ ૧૦ વર્ષમાં ફ્રી કાર્ડ્સ બનાવવા માટે ૧૫ મિલિયન પાઉન્ડ સહિત ૧૨૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે.
લેબર પાર્ટીએ આ જરૂરિયાતનો એમ કહીને વિરોધ કર્યો હતો કે તે બીનજરૂરી છે અને ડોક્યુમેન્ટ્સ દર્શાવવાની જરૂરને લીધે નાના ગ્રૂપો મતદાનમાં જોડાશે નહીં.

