લંડનઃ ચેથમમાં પોસ્ટ ઓફિસ અને લોકલ શોપ ધરાવતા ભરત ઉર્ફે બેરી વારાને વર્ષ 2025ની લોકલ રિટેલ ચેમ્પિયનશિપના વિજેતા જાહેર કરાયા છે. બેરી વારા હંમેશા તેમના ગ્રાહકો અને કોમ્યુનિટીને મદદ કરવા તત્પર રહે છે. ભરત વારા તેમના ગ્રાહકોમાં બેરી વારા તરીકે જાણીતા છે. તેઓ પત્ની અવર સાથે મળીને બિઝનેસ ચલાવે છે.
ભરત વારા તેમની શોપ ખાતે વાંચન માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવે છે અને સેકન્ડ હેન્ડ બુક્સ ફક્ત 1 પાઉન્ડમાં વેચે છે. તેમાંથી થતી આવક તે ચેરિટી માટે આપી દે છે. આ દંપતી તેમના ગ્રાહકો દ્વારા કરાતી ભલામણોના આધારે ચેરિટી પસંદ કરે છે.
બુક ક્લબ પહેલાં વારાની શોપ મિડવે ફૂડ બેન્કના ડ્રોપ ઓફ પોઇન્ટ તરીકે પણ ફરજ બજાવતી હતી. કોરોના મહામારીમાં શરૂ કરાયેલી આ ફૂડ બેન્ક ઘણી વિસ્તરી છે અને લોકો ઉદાર મને દાન આપી રહ્યાં છે.


