લંડનઃ ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવેલા ગેરકાયદેસર માઇગ્રન્ટસને કેર, કન્સ્ટ્રક્શન અને કૃષિ સેક્ટરમાં કામ કરવાનો અધિકાર ચૂપચાપ આપી દેવાયો છે. ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવનારા સહિતના 16000 રાજ્યાશ્રય વાંચ્છુઓને એક વર્ષમાં કામ કરવાની પરવાનગી અપાઇ છે. માહિતીની સ્વતંત્રતાના કાયદા અંતર્ગત મળેલા આંકડા અનુસાર કામદારોની અછત છે તેવા સેક્ટરોમાં તેમને કામ કરવાની પરવાનગી અપાઇ છે અને તેમને વર્તમાન પગાર ધોરણના 80 ટકા પગાર પેટે ચૂકવવામાં આવે છે.
જોકે આ માટે તેમણે જો વેતન વધુ હોય તો સરકાર દ્વારા અપાતી 49.13 પાઉન્ડ પ્રતિ સપ્તાહની સહાય ગુમાવવી પડે છે પરંતુ તેઓ યોગદાન આપે ત્યાં સુધી રાજ્યાશ્રય રહેણાંકમાં રહેવા હોમ ઓફિસ સમક્ષ રજૂઆત કરી શકે છે.
ટોરી સાંસદ નાઇજલ ફરાજ દ્વારા આ યોજનાની આકરી ટીકા કરાઇ છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે આ પ્રકારની યોજના યુકેમાં ગેરકાયદેસર આવતા વિદેશીઓને પ્રોત્સાહિત કરે છે. આ એક હોનારત છે. માનવ તસ્કરો નોકરીઓ અને વિનામૂલ્યે રહેણાંકની લાલચ આપી શકે છે જેના પગલે રવાન્ડા યોજના અપ્રસ્તુત બની જશે.
યુરોપના દેશો બ્રિટનની હળવી નીતિઓની ટીકા કરી ચૂક્યાં છે. બ્રિટિશ સત્તાવાળાઓના સતત ઇનકાર છતાં બ્રિટિશ સિસ્ટમ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પ્રત્યે કુણું વલણ અપનાવી રહી છે. ઘણા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ બ્રિટનના બ્લેક માર્કેટમાં કામ કરી રહ્યાં છે. યુરોપના દેશોને ભય છે કે આના કારણે માઇગ્રેશન કટોકટી ગંભીર બની શકે છે.


