લંડનઃ નવી દિલ્હી ખાતેના બ્રિટિશ હાઇ કમિશન દ્વારા વર્ષ 2017થી હાઇ કમિશ્નર ઓફ ધ ડે નામની સ્પર્ધાનું આયોજન કરાય છે અને તે અંતર્ગત ભારતની યુવતીઓને એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશ્નર બનવાની તક અપાય છે. 11મી ઓક્ટોબરે ઉજવાતા ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઇલ્ડ નિમિત્તે એક યુવતી ભારતમાં બ્રિટિશ હાઇ કમિશ્નર બનીને રાજદ્વારીઓના જીવન કેવાં હોય છે તે અંગે પણ માહિતી અને અનુભવ પ્રાપ્ત કરે છે.
આ વર્ષે મૂળ ચેન્નઇની શ્રેયા ધર્મરાજનને એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશ્નર બનવાની તક પ્રાપ્ત થઇ હતી. દિલ્હીની શ્રીરામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સની સ્નાતક શ્રેયા હાલ મુંબઇની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેને શિક્ષણ અને ચાઇલ્ડ સાયકોલોજીમાં ઘણો રસ છે.
શ્રેયાએ જણાવ્યું હતું કે, આ મારા માટે ઘણી ગૌરવની ક્ષણ હતી. મને વિવિધ ક્ષેત્રમાં પ્રદાન કરનારી મહિલા અગ્રણીઓ અંગે શીખવા અને તેમની સાથે અનુભવોની આપ-લે કરવાની તક મળી હતી. વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાના ભારતના પ્રયાસો અંગેની ચર્ચાઓમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.


