લંડનઃ યુકેની વૃદ્ધો માટેની સૌથી મોટી ચેરિટી એજ યુકે પેન્શનરોને ગેરમાર્ગે દોરી લાખો પાઉન્ડની કમાણી કરવાના વિવાદમાં સપડાઈ છે. પેન્શનરોને એનર્જી, ઈન્સ્યુરન્સ અને ફ્યુનરલ કેર પ્લાન્સ માટે પ્રોત્સાહિત કરી સંસ્થાએ નફાને નજર સમક્ષ રાખ્યો હોવાના આક્ષેપો થયા છે, જેના પગલે ઓફજેમ અને ચેરિટી કમિશન સહિત રેગ્યુલેટર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ચેરિટીની કોમર્શિયલ શાખા એજ યુકે એન્ટરપ્રાઈસીસ દ્વારા પાંચ લાખ કસ્ટમરને એજીસના ઘર, પ્રવાસ અને કાર ઈન્સ્યુરન્સ વેચી ૨૧.૯ મિલિયન પાઉન્ડની કમાણી કરાઈ હતી. આ ડિવિઝને ડિગ્નિટી ફ્યુનરલ કેર સાથે સોદો કરી ૨૧,૦૦૦ ફ્યુનરલ પ્લાન્સ વેચી ૯.૪ મિલિયન પાઉન્ડ અને એનર્જી સપ્લાયર ઈઓન સાથે ભાગીદારીના સોદામાં ૬.૩ મિલિયન પાઉન્ડની કમાણી કરી હતી. ઈઓનનો પ્લાન સૌથી સસ્તો પણ ન હતો અને એક વર્ષના બદલે બે વર્ષના એનર્જી પ્લાન્સ પેન્શનર ગ્રાહકોને વેચાયા હતા. એનર્જી સેક્રેટરી એમ્બર રડે કહ્યું હતું કે બ્રિટનના પેન્શનરોને ગેરમાર્ગે દારાતા હોવાના આક્ષેપો ચિંતાજનક છે.
ચેરિટીની વાણિજ્ય શાખાએ વર્ષ ૨૦૧૪-૧૫માં કુલ ૪૭.૬ મિલિયન પાઉન્ડની કમાણી અને ટેક્સ અગાઉનો ૮.૨ મિલિયન પાઉન્ડનો નફો કર્યો હતો. અગાઉના વર્ષે એજ યુકે એન્ટરપ્રાઈસીસે ઈન્સ્યુરન્સ પ્રોડક્ટ્સના વેચાણથી ૨૩.૨ મિલિયન પાઉન્ડ મેળવ્યા હતા. ફ્યુનરલ કેર ગ્રૂપ ડિગ્નિટી, એનર્જી સપ્લાયર ઈઓન અને એજીસ દ્વારા તેમના સોદાઓનો બચાવ કરવામાં આવ્યો છે.


