લંડનઃ પીઢ સૈનિકોને આર્થિક મદદ પૂરી પાડતી સંસ્થા ‘અવર લોકલ હિરોઝ ફાઉન્ડેશન’ એ લશ્કરના સેવાનિવૃત્તો પાછળ તેની વાર્ષિક આવકની માત્ર બે ટકા રક્મનો જ ખર્ચ કર્યો હોવાનું ચેરિટી કમિશનની તપાસમાં જણાયું છે. કમિશને જણાવ્યું હતું કે સંસ્થાની કાર્યપદ્ધતિ સહેજ પણ સ્વીકાર્ય ન હતી.
આ સંસ્થાને ૨૦૧૫માં ૫,૦૦,૦૦૦ પાઉન્ડની આવક થઈ હતી, જેમાંથી માત્ર ૧૦,૦૦૦ પાઉન્ડ જ નિવૃત્ત સૈનિકો પાછળ ખર્ચાયા હતા. બાકીની રકમનો ઉપયોગ સંચાલન ખર્ચ અને સંસ્થાએ દર્શાવેલા ઉદ્દેશોને બદલે અન્ય હેતુસર કરાયો હતો. સંસ્થામાં આઠ કર્મચારી હતા. તેમનું પગાર અને ઓફિસ બીલ વાર્ષિક ૧,૫૫,૦૦૦ પાઉન્ડ હતું. સંસ્થાએ એક કંપની સાથે ભંડોળ એકત્ર કરવાની સમજૂતી પણ કરી હતી અને કંપની એકત્ર નાણાંમાંથી ૮૦ ટકા સુધીની રકમ લઈ જતી હતી.
ચેરિટી વોચડોગની દરમિયાનગીરીના પરિણામે સંસ્થાએ ખર્ચમાં વાર્ષિક ૧,૦૦,૦૦૦ પાઉન્ડથી વધુનો ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત, જે પ્રોજેક્ટ સંસ્થાના હેતુઓ મુજબ નહોતા તે તમામ બંધ કરી દેવાયા હતા. અવ્યવસ્થા, જવાબદારીનો અભાવ અને ભંડોળ એકત્ર કરવાની શંકાસ્પદ પદ્ધતિને લીધે ચેરિટી સેક્ટરમાં તપાસ વધી ગઈ છે.
સંસ્થાના ચેરમેન ડેસ વ્હાઈટે જણાવ્યું હતું કે એકત્ર કરાયેલાં તમામ નાણાં હવે સંસ્થાની ટ્રેડિંગ પાંખે મેળવી લીધા છે. તેમાંથી સંસ્થાએ ટાર્ગેટેડ મેનેજમેન્ટ લિમિટેડને ૧૯ ટકા જેટલી રકમ મેનેજમેન્ટ ફી તરીકે ચૂકવી દીધી છે.


