લંડનઃ સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવતી ચેરિટીઝ રાજકીય લોબીઈંગમાં કરદાતાના નાણાનો ઉપયોગ કરી નહિ શકે. તમામ નવા અને રિન્યુ થનારા ગ્રાન્ટ એગ્રીમેન્ટ્સમાં નવી જોગવાઈનો સમાવેશ કરાશે, જેથી કરદાતાના ભંડોળનો ઉપયોગ લોકોના જીવનને સુધારવા અને સારા ઉદ્દેશો માટે જ કરી શકાશે.
નવી જોગવાઈઓથી સરકાર પાસેથી વધુ ભંડોળ પ્રાપ્ત કરવા મિનિસ્ટર્સ સમક્ષ કરાતા લોબીઈંગમાં પ્રજાના નાણાનો ઉપયોગ પ્રતિબંધિત થશે. જોકે, ચેરિટીઝ દ્વારા ખાનગી રાહે એકત્ર કરાયેલા નાણા તેઓ ઈચ્છે તે રીતે કેમ્પેઈનમાં ઉપયોગ કરી શકશે. ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈકોનોમિક એફેર્સના અભ્યાસમાં સુગર ટેક્સ અને પર્યાવરણ જેવી નીતિઓ પર લોબીઈંગ અભિયાનો ચલાવવા પ્રેશર ગ્રૂપ્સને અપાયેલા કરદાતાના નાણાનો કેવી રીતે ઉપયોગ થાય છે તેનો ઘટસ્ફોટ કરાયો હતો.
કેબિનેટ ઓફિસ મિનિસ્ટર મેથ્યુ હેનકોકે જણાવ્યું હતું કે,‘ટેક્સપેયરના નાણાનો ઉપયોગ લોકોના જીવન સુધારવા અને તકોના પ્રસાર માટે થવો જોઈએ, સરકારને લોબીઈંગ કરવાની હાસ્યાસ્પદ પ્રવૃત્તિઓમાં નહિ. જાહેર ક્ષેત્ર નીચા ટેક્સ અને ઓછા સરકારી ખર્ચ માટે કદી લોબીઈંગ કરતું નથી. આ નિયમો વાણી સ્વાતંત્ર્યની રક્ષા કરશે, પરંતુ રાજકીય પ્રચાર અભિયાનો અને રાજકીય લોબીઈંગનો ખર્ચ લોકો બોગવે તેમ થવા નહિ દેવાય.’
વ્યાપક પારદર્શિતાની હિમાયત કરતા ટ્રુ એન્ડ ફેર ફાઉન્ડેશનના સ્થાપક જિના મિલરે જણાવ્યું હતું કે, ‘વોલન્ટીઅરી સેક્ટર અંકુશ બહાર જતું રહ્યું છે. સેક્ટરને અંકુશમાં રાખવાની સત્તા જ ચેરિટી કમિશન પાસે નથી.’ ચેરિટી કમિશન બ્રિટનની ૧૬૦,૦૦૦ ચેરિટીઝની તપાસ અને નિયમનની કપરી કામગીરી બજાવી રહ્યું છે.


