લંડનઃ મોટા ભાગની ચેરિટીઝ દાન મેળવવા માટે વસિયતનામાનાં જાહેર રેકોર્ડ્સની તપાસ રાખે છે, જેથી દાન મેળવવા તેઓ શોકાતુર વારસદારો કે સગાંનો સંપર્ક કરી શકે. વારસામાં ધર્માદા સહિતના હેતુઓ માટે છોડાયેલી મિલકતોમાંથી વર્ષે અંદાજે બે બિલિયન જેટલી જંગી રકમો મેળવવામાં આ પદ્ધતિ તેમને મદદરૂપ બની રહે છે. જોકે, તેમની સામે દાન મેળવવા બળજબરી કરવાનો તેમજ સહાનુભૂતિના અભાવનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
સંસ્થાઓ કહે છે કે તેઓ વારસદારો, વહીવટદારો કે સગાંનો સંપર્ક કરવા શોકનો સમય પૂરો થવાં સુધી રાહ જુએ છે. ધ ટાઈમ્સ અખબારના ઈન્વેસ્ટિગેશનથી ચેરિટી મેનેજમેન્ટ વિશે ગંભીર શંકાઓ ઉભી થાય છે. અખબારે જણાવ્યું છે કે વોલન્ટરી સેક્ટરમાં ૧૦૦૦થી વધુ ચીફ એક્ઝીક્યુટિવ્ઝ છ આંકડામાં પગાર મેળવે છે અને સેંકડો લોકો વડા પ્રધાનથી પણ વધુ કમાણી કરે છે.
દાન એકત્ર કરતી ચેરિટીઝ આ પદ્ધતિનો બચાવ કરતા જણાવે છે કે આનાથી ઉમદા હેતુના ઉદ્દેશ સાથે રખાયેલા નાણા અનૈતિક પરિવારોના ખિસામાં જતાં અટકાવી શકાય છે. વસિયતમાં ધર્માદાના ઉલ્લેખો અંગે જાણકારી મેળવવા ચેરિટીઝ એજન્સીઓની પણ મદદ લે છે. RSPCA, વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ ફોર નેચર અને એજ યુકે જેવી સંસ્થાઓએ સ્મી એન્ડ ફોર્ડ એજન્સીની સેવા લીધી છે.


