ચોરને ઝડપી લેવાનું ઇનામઃ નોકરીમાંથી હકાલપટ્ટી

લંડનની બસના ડ્રાઇવરે પ્રવાસીનો નેકલેસ તફડાવી નાસતા ચોરને ઝડપ્યો પરંતુ કંપનીએ ડ્રાઇવરને જ નોકરીમાંથી હાંકી કાઢ્યોઃ આ તે ક્યાંનો ન્યાય..

Tuesday 03rd February 2026 08:53 EST
 
 

લંડનઃ ક્યારેક બહાદૂરી અને સાહસના કારણે પણ ભોગવવાનું આવે છે. લંડનની એક બસમાં એક ચોર એક મહિલા પ્રવાસીનો નેકલેસ તફડાવીને નાસવા લાગ્યો હતો. બસના ડ્રાઇવરે બહાદૂરી બતાવીને ચોરનો પીછો કરી ઝડપી લીધો અને નેકલેસ પ્રવાસીને પરત આપ્યો હતો. તેમ છતાં પેલો ચોર ફરી બસમાં ધસી આવ્યો હતો અને મહિલા પ્રવાસીને ડરાવવા લાગ્યો હતો. તેથી ફરી એકવાર ડ્રાઇવરે હસ્તક્ષેપ કરતાં ચોરે તેના પર હુમલો કરી દીધો હતો પરંતુ ડ્રાઇવર માર્ક હેહિરે ચોરને બરાબર મેથીપાક આપ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, હેહિરે સ્વબચાવ અને મહિલા પ્રવાસીને બચાવવા તાકાતનો ઉપયોગ કર્યો હતો જે યોગ્ય કામગીરી હતી પરંતુ હેહિરના એમ્પ્લોયર મેટ્રોલાઇને ડ્રાઇવરની બહાદૂરીને બિરદાવવાના બદલે તેની સામે શિસ્તભંગના પગલાં લેતાં નોટિસ આપ્યા વગર જ નોકરીમાંથી બરખાસ્ત કરી દીધો હતો. જેની સામે ડ્રાઇવરે અપીલ કરી હતી પરંતુ ટ્રિબ્યુનલે પણ તેની બરખાસ્તગીને યોગ્ય ઠરાવી હતી.

આમ હેહિરને બહાદૂરી બતાવવા માટે સજા મળી છે. મેટ્રોલાઇને તો તેના ડ્રાઇવર પર ગૌરવ અનુભવવું જોઇએ અને તેને પુરસ્કાર આપવો જોઇએ પરંતુ ના...કંપનીને ડ્રાઇવરની બહાદૂરીથી બદનામી થઇ હોવાનું લાગ્યુ અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી.

બીજીતરફ માર્ક હેહિરે જણાવ્યું છે કે હું હવે મારી નોકરી પાછી ઇચ્છતો નથી. હાલ હેહિર એક બારમાં કામ કરી રહ્યાં છે. હેરિરે જણાવ્યું હતું કે, એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે મેટ્રોલાઇનના નિર્ણય પર મહોર મારી ત્યારથી મને જનતાનું અસામાન્ય સમર્થન હાંસલ થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter