ચોરને બિસ્કીટ ચાખવું મોંઘુ પડ્યું.....

Tuesday 06th October 2020 15:36 EDT
 

લંડનઃ ચોરી કરવા ગયેલા એક ચોરને બિસ્કીટ ચાખવાનું એટલે કે ખાઈને અધૂરું મૂકી દેવાનું ભારે પડી ગયું. બિસ્કીટ પરના ડીએનએની તપાસ થવા સાથે ચોરના અને બિસ્કીટ પર રહેલા ડીએનએ મેચ થયા અને ચોર ઝડપાઈ ગયો હતો.

વાત એવી બની કે ગઈ ૧૫મી જૂને ૩૩ વર્ષીય માઈકલ મેટકાલ્ફ નામના ચોરે ડરહામના હાર્ટલપૂલના એક મકાનમાંથી ૩,૦૦૦ પાઉન્ડનો કેમેરો અને અન્ય વસ્તુઓ મળીને ૪,૦૦૦ પાઉન્ડની ચોરી કરી. તેણે કિચનમાંથી લેબકુચેન કૂકી બિસ્કીટ પણ ખાધું હતું. પણ તેનો સ્વાદ ન ગમતા તે અડધું મૂકીને જતો રહ્યો હતો. વીકેન્ડમાં બહાર ગયેલા ૮૫ વર્ષીય મકાનમાલિક ઘરે પાછા ફરતા તેમને ઘરમાં બધું વેરવિખેર જોવા મળ્યું. તેમણે આ અડધું બિસ્કીટ પણ જોયું. તેમણે પોલીસને કેમેરો અને અન્ય વસ્તુઓ ચોરાયાની તથા આ અડધા બિસ્કીટની જાણ કરી હતી. આના પગલે પોલીસે ચોરે ખાધેલા અર્ધા બિસ્કીટની ડીએનએ તપાસ કરતાં તે હાર્ટલપુલના વેસ્ટ વ્યુ રોડનો મેટકાલ્ફ હોવાની ઓળખ થઈ હતી. અગાઉ, વિલેજ પબમાં સમુરાઈ તલવારથી હુમલો કરવા બદલ તેને સાત વર્ષની જેલ થઈ હતી. તે ઝડપાઈ જતાં તેણે આ ચોરીની કબૂલાત કરી હતી. ટીસ્સાઈડ કોર્ટે તેને એક વર્ષની જેલ ફરમાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter