લંડનઃ પાંચ વર્ષમાં લગભગ ૧૦ લાખ ચોરીના ગુનાઓ વણઉકલ્યા જ રહ્યા છે. ઘણા કિસ્સામાં તો ગણતરીના કલાકોમાં કેસની ફાઈલ બંધ કરી દેવાય છે અને મકાનમાલિકોને અપરાધીઓના ભરોસે અને દયા પર છોડી દેવાય છે. આની પાછળ પોલીસ બજેટમાં કરાયેલા ઘટાડાનું કારણ પણ હોઈ શકે છે.
કેટલાક પોલીસ ફોર્સીસમાં ચોરીના ગુનાને કદી પ્રાધાન્ય અપાતું નથી અને તપાસ માટે અધિકારીઓને મોકલાતા પણ નથી. જો CCTV અથવા ફોરેન્સિક પુરાવાઓ ન મળે તો ઘણી વખત ગણતરીના કલાકોમાં કેસ પણ બંધ કરી દેવાય છે. લિબ ડેમ્સના ડેટા અનુસાર ઓક્ટોબર ૨૦૧૫ પછી ઘરફોડ ચોરીના કુલ ૯૬૪,૧૯૭ ગુનાની તપાસનો કોઈને પણ ન્યાયના કઠેડામાં લાવ્યા સિવાય જ અંત આવ્યો હતો.
ધ ટેલિગ્રાફના અહેવાલ અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં માર્ચ ૨૦૧૬ સુધીના ૧૨ મહિનામાં ચોરીની વણઉકલી ફરિયાદો ૭૯.૬ ટકા હતી પરંતુ, માર્ચ ૨૦૨૦ સુધીમાં આ સંખ્યા ઉછળીને ૮૨.૩ ટકાએ પહોંચી હતી. મેટ્રોપોલિટન પોલીસ ફોર્સમાં વણઉકલી ફરિયાદો ૮૭.૮ ટકા હતી જે માર્ચ ૨૦૨૦ સુધીમાં વધીને ૮૯.૫ ટકા થઈ હતી. સરેમાં આ જ સમયગાળામાં ૮૧.૧ ટકાથી વધીને ૮૭.૭ ટકા થઈ હતી.
ચોરીના સૌથી સારા અને ખરાબ આંકડા
ઈંગ્લેન્ડ અને વેલ્સના સમગ્ર પોલીસદળને ૨૦૧૬માં દર મહિને આશરે ૧૩,૦૦૦ ઘરફોડ ચોરીની ફરિયાદો મળતી હતી. જોકે, ગત માર્ચ સુધીમાં આ સંખ્યા લગભગ બમણી થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીના ૧૨ મહિનામાં કોઈ શંકાસ્પદ ગુનેગારની ઓળખ વિના જ નોંધાયેલી ચોરીની ટકાવારી આ રીતે જોવા મળી છે.
સૌથી ખરાબ વિસ્તારઃ મેટ્રોપોલિટન પોલીસ – ૮૭.૬ ટકા, વેસ્ટ મિડલેન્ડ્સ – ૮૭.૨ ટકા, સરે – ૮૫.૭ ટકા, સાઉથ યોર્કશાયર – ૮૪.૭ ટકા, બેડફોર્ડશાયર – ૮૩.૮ ટકા
સૌથી સારા વિસ્તારઃ વિલ્ટશાયર – ૫૮.૩ ટકા, નોર્થ વેસ્ટ – ૬૦.૯ ટકા, હમ્બરસાઈડ – ૬૨.૬ ટકા, ડેવોન એન્ડ કોર્નવોલ – ૬૨.૮ ટકા, કમ્બ્રીઆ – ૬૨.૮ ટકા