ચોરીની ૧૯ કાર સાથે ઝડપાયેલા ચિરાગ પટેલને આઠ વર્ષની જેલ

ક્રોયડન ક્રાઉન કોર્ટે ૧.૩ મિલિયન પાઉન્ડ પરત ચૂકવવા ચિરાગ પટેલને આદેશ કર્યો

Wednesday 11th December 2019 03:25 EST
 
 

લંડનઃ ચોરીની ૧૯ લક્ઝરી કાર સાથે પકડાયેલા અને ગયા ઓક્ટોબરમાં આઠ વર્ષની જેલની સજા પામેલા સાઉથ લંડનના ક્રોયડનના ૪૦ વર્ષીય કાર ડીલર ચિરાગ પટેલને ૧.૩ મિલિયન પાઉન્ડ પરત ચૂકવવા ક્રોયડન ક્રાઉન કોર્ટે આદેશ કર્યો હતો. જો તે આ રકમ ન ચૂકવે તો તેણે વધુ ૧૦ વર્ષની જેલ ભોગવવી પડશે. ચિરાગ પટેલના મકાનના ભોંયરામાંથી ૭૨૮,૦૦૦ પાઉન્ડની કિંમતની પાંચ રેન્જ રોવર સહિત ૧૯ લક્ઝુરિયસ કાર ઝડપાઈ હતી. તેણે ગેરકાયદે કાર ભાડે આપતી કંપની ઉભી કરીને તેમાંથી ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમની કમાણી કરી હતી.

લંડનમાંથી ઓક્ટોબર ૨૦૧૨થી જાન્યુઆરી ૨૦૧૫ વચ્ચે ચોરવામાં આવેલી આ કાર્સ ચિરાગ પટેલ અને તેના પરિવારની માલિકીના સરનામે અથવા નજીકમાં રખાઈ હતી. અન્ય કાર તેના માટે વાહનોની સંભાળ રાખતા અથવા ભાડે કાર ફેરવતા સાથીદારો પાસે રહેતી હતી. તપાસ દરમિયાન તેના ઘરેથી વાહનો અને રજિસ્ટ્રેશનની યાદી તેમજ વાહનોના ઓન-બોર્ડ કમ્પ્યુટરને એક્સેસ કરવા માટેનું મશીન પણ મળી આવ્યા હતા. વધુમાં, સોલીહલના જગુઆર લેન્ડ રોવરના પ્લાન્ટમાંથી ચોરેલી ચાવીઓના નવ સેટ અને સ્ટ્રેધામ વિસ્તારમાંથી ચોરાયેલું લેપટોપ પણ મળ્યા હતા. ક્રોયડન કોર્ટમાં થયેલી અરજીમાં તેને ૧,૩૬૯,૬૬૧ પાઉન્ડ ચૂકવવા જણાવાયું હતું. તેના ત્રણ બેંક એકાઉન્ટમાંથી ૫૩૦,૦૦૦ની રોકડ તથા અન્ય ગુનાહિત સંપત્તિ જપ્ત કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter