લંડનઃ કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાંથી ચોરેલી પીપીઇ કિટ ઇ-બે પર વેચવાના આરોપસર એનએચએસના ડોક્ટર અને તેના પતિને 10-10 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ડો. અતિયા શેખ અને તેના પતિ ઓમર શેખે પીપીઇ કિટ વેચીને 8000 પાઉન્ડ કમાયા હતા.
દંપતીએ કબૂલાત કરી હતી કે તેમણે ચોરેલા ગ્લોવ્ઝ, ફેસ માસ્ક અને વાઇપ્સ ઓનલાઇન વેચી દીધાં હતાં. શેરિફ સુખવિન્દર ગિલે જણાવ્યું હતું કે, ડોક્ટર અતિયાએ ઇસ્ટકિલબ્રાઇડમાં આવેલી હોસ્પિટલમાં કામ કરતી વખતે તેમના પર મૂકાયેલા વિશ્વાસનું ઉલ્લંઘન કર્યું હતું. સપ્લાયરે તેની પ્રોડક્ટ ઓનલાઇન વેચાતી જોયા બાદ આ અંગે ફરિયાદ કરી હતી અને આ દંપતીના કારનામા સામે આવ્યાં હતાં. અતિયાના વકીલે જણાવ્યું હતું કે, મારી ક્લાયન્ટને તેની કરણીઓનો ઘણો ખેદ છે.


