લંડનઃ જીવાશ્મિઓમાં ભારે રસ ધરાવતા ૬ વર્ષના બાળક સિડ્ડાક સિંહ ઝામટને ઘરના બગીચાની પછીતેથી શોધખોળ દરમિયાન ૪૦૦ મિલિયન વર્ષ જૂનું શિંગડા આકારનું ફોસિલ (Horn Fossil) મળી આવ્યું છે. ખરેખર તો ડાયનોસોર પ્રેમી સિડ્ડાકને ગોકળગાય શોધવી હતી અને તે બગીચાની પછીતે ખોદકામ કરી રહ્યો હતો. તેને એક શિંગડા આકારનું અને સંભવતઃ ૪૦૦ મિલિયન વર્ષ જુનું ફોસિલ મળી આવતા બધાને ભારે આશ્ચર્ય થયું હતું.
વેસ્ટ મિડલેન્ડ્સની વોલસાલની સ્કૂલમાં અભ્યાસ કરતા સિડ્ડાકને માટી-કાદવમાં રમવાનો ભારે શોખ છે. તે બગીચામાં રાખેલા ફ્લાવર પોટ્સમાંથી જીવજંતુઓ એકઠાં કરે છે. તે દિવસે તેણે કોદાળીથી ઘાસ ખોદવાનું શરૂ કર્યું અને ૪૦૦ મિલિયન વર્ષ જુનું મનાતું હોર્ન કોરલ તેના હાથમાં આવી ગયું. સિડ્ડાક તેની શોધથી ભારે રોમાંચિત છે. તે કહે છે કે ‘મારા પિતાએ તે શું છે તે શોધવામાં મને મદદ કરી હતી. તે શું છે તેની મને ખબર નથી પરંતુ, મને તે જાણવામાં ભારે રસ છે.’
ફોસિલ્સ શોધવાનો શોખીન સિડ્ડાક તેના પિતા વિશ સિંહ (૪૨) અને માતા સંગીતા ટૂટ (૪૦) સાથે રહે છે. તેના શોખને ધ્યાનમાં રાખી પિતાએ તેને ક્રિસમસમાં ફોસિલ હંન્ટિંગ કિટ લાવી આપી હતી. આ નવી શોધની સફાઈ કરવા તેણે કિટનો ઉપયોગ કર્યો હતો. આકારના હિસાબે હોર્ન કે શિંગડાનું નામ અપાયેલું ફોસિલ હવે દુર્લભ છે અને ૪૮૮ મિલિયનથી ૨૫૧ મિલિયન વર્ષો અગાઉ તેની સમુદ્રમાં હાજરી હતી.
પિતા વિશ સિંહે ‘ધ સન’ અખબારને જણાવ્યું હતું કે, ‘સોમવારે તે સ્કૂલેથી આવ્યા પછી ઘાસના મોટા વિસ્તારને ખોદી કાઢ્યા પછી તેણે કશુંક શોધ્યું. તે દોડતો દોડતો મારી પાસે આવીને કહેવા લાગ્યો કે ડેડી મેં કશું શોધ્યું છે. હું ગયો અને તે વસ્તુને જોતા મેં વિચાર્યું કે આ તો બકરીના શિંગડા જેવું લાગે છે.’ ફેસબૂક પર ફોસિલ ફાઈન્ડિંગ ગ્રૂપ્સના સભ્ય વિશ સિંહે તેની તસવીર ગ્રૂપ્સમાં મૂકી તેના વિશે પૂછપરછ આદરી હતી. ફોસિલના શોખીનોએ તેને હોર્ન કોરલ તરીકે ઓળખી કાઢ્યું અને સિડ્ડાકને તેની શોધ બદલ અભિનંદન પણ પાઠવ્યા છે.
પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા વિશ સિંહનું કહેવું છે કે, ‘લોકડાઉન ચાલે છે ત્યારે આ કામ ખરેખર ઉત્સાહપ્રેરક છે અને મને લાગે છે કે હવે તે બાકીની બધી લોન ખોદી નાખવાનો પ્રયાસ કરશે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘તે આ શોધથી રોમાંચિત થઈ ગયો છે. આ ફોસિલ ક્યાંથી આવ્યું હશે તે સમજાતું નથી કારણ કે અમારું ઘર સમુદ્રની નજીક નથી. કોઈક એમ કહે છે કે ફોસિલ્સ માટીમાં ઊંડે હશે અને સમય જતા તે સપાટી પર આવ્યા હશે.’
સિડ્ડાક ગયા વર્ષે માતાપિતા સાથે ફોસિલ હંન્ટિંગ રજાઓ માણવા લીમે રેજિસ ગયો હતો અને ત્યાં બીચ પર તેને એમોનાઈટ ફોસિલ મળ્યું હતું. જોકે, વિશ માને છે કે ઘરના પછીતના બગીચામાંથી મળેલી વસ્તુ ઘણી પ્રાચીન છે.


